Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

નવસારીના ચીખલી પોલીસ સ્‍ટેશનમાં કસ્‍ટોડીયલ ડેથ મામલે બે મહિનાથી આદિવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યથાવતઃ પોલીસ અધિકારી કે કર્મચારીઓ સામે પગલા ન લેવાતા આક્રોશ

ધારાસભ્‍ય અનંત પટેલને નજર કેદ કરાતા લોકરોષ

નવસારી: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથના મામલે સતત બે મહિનાથી આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. આદિવાસી યુવકના મોત બાદ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પગલાં ન લેવાતા સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે આ મામલે આજે ચીખલી ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે.

જો કે, ધરણાં કરે તે પહેલાં આદિવાસી સમાજના આગેવાનોને પોલીસે ડિટેઈન કરવાની શરૂઆત કરી છે. ધારાસભ્ય અનંત પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. જેના કારણે આદિવાસી સમાજ ભારે રોષમાં આવ્યો છે. આદિવાસી આગેવાનોને ત્યાં ગયેલી પોલીસને ગામ લોકોએ ભગાડ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ થયેલ આદિવાસી યુવાનોનાં કસ્ટોડીયલ ડેથને મામલે સતત વિરોધ થઈ રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરાઈ રહી છે.

ધરણા ચાલુ રાખવા માટે ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજના લોકોને ચીખલી પહોંચવા અપીલ કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય અનંત પટેલને પણ નજર કેદ કરાયા છે. જો કે, ચીખલી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આદિવાસી સમાજ ચીખલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરશે. જેને લઇને ઠેર-ઠેર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

(4:58 pm IST)