Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે વિવાદ મામલે ઉકેલ ના આવ્યો તો ચેરમેન પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારીઃ બરોડા ડેરીમાં ભાવફેર મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બન્યો

દૂધ ઉત્પાદકોને અન્યાય થવા મામલે આજે સર્કિટ હાઉસમાં બેઠકોનો દોર ચાલ્યો જેમાં દૂધમંડળીઓના પ્રમુખ-મંત્રીઓ પણ હાજર રહ્યા હતા

વડોદરાઃ બરોડા ડેરી દૂધના ભાવફેર અંગે યોગ્ય નિર્ણય ન લેવા માટે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે, તો બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે વિવાદ મામલે ઉકેલ ના આવ્યો તો ચેરમેન પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

બરોડા ડેરીના વિવાદ દિવસને દિવસે વકરતો જઈ રહ્યો છે ત્યારે આજે ધારાસભ્યો-બરોડા ડેરીના શાસકો વચ્ચેની મળનાર બેઠક રદ થઈ હતી ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ન થતા બેઠક રદ થતા જિલ્લા ભાજપના 4 ધારાસભ્યોએ રણનીતિ બદલી હતી.

ભાવફેરનો લાભ નહીં મળે તો આંદોલનની ચીમકી

મહત્વનું છે કે દૂધ ઉત્પાદકોને અન્યાય થવા મામલે આજે સર્કિટ હાઉસમાં બેઠકોનો દોર ચાલ્યો જેમાં દૂધમંડળીઓના પ્રમુખ-મંત્રીઓ પણ હાજર રહ્યા હતા મહત્વનું છે કે આ બેઠકમાં કેતન ઇનામદારના સમર્થનમાં આવેલા 4 ધારાસભ્યોએ  બુધવાર સુધીમાં ડેરીના સત્તાધીશોને ઉકેલ લાવવા કહ્યું છે. અને જો  પશુપાલકોને ભાવફેરનો લાભ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

 નવી સરકાર અમારા કામો કરશે એવો વિશ્વાસ : મધુ શ્રીવાસ્તવ

આજે સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં મધુ શ્રી વાસ્તવે સરકાર બદલવા PM મોદીને અભિનંદન આપ્યા હતા તેમજ નવી સરકાર અમારા કામો કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મધુ શ્રી વાસ્તવે કહ્યું હતું કે હું ચેરમેન હતો ત્યારે નર્મદાના પાણીનો પ્લાન્ટ બનાવ્યો હતો પરતું ડેરીના શાસકોએ પ્લાન્ટ ભંગારમા વેચી નાખ્યો છે મધુ શ્રી વાસ્તવે દુધ ઉત્પાદકોના હિતમાં પોતે કેતનભાઈ સાથે હોવાનું જણાવ્યું હતું.

ડેરી નફો કરતી હોવા છતાં પશુપાલકોને ભાવફેર અપાયા નથી 

બરોડા ડેરીમાં ભાવફેર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યનો આરોપ લગાવતા કહ્યું કે ડેરીની આવક હોવા છતાં પશુપાલકોને ભાવફેર અપાયા નથી જેથી ભાવફેર નહીં અપાતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે ધારાસભ્યનું કહ્યું કે હવે બરોડા ડેરી નફો કરી રહી છે ત્યારે ભાવ વધવો જોઈએ પરતું છેલ્લા 2 વર્ષથી પ્રતિકિલો ફેટે 675 રૂપિયા મળી રહ્યા છે,

ચેરમેન પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી

મહત્વનું છે કે હાલ બરોડા ડેરીના ચેરમેન ભાજપના દીનુ પટેલ છે બરોડા ડેરીમાં ભાજપપ્રેરિત પેનલનું રાજ છે છતા દીનુ પટેલનું કહેવું છે હાલ પ્રતિ કિલોફેટે 685 રૂપિયા અપાય છે. મહત્વનું છે કે દીનુ પટેલ અને વિરોધી ગ્રુપ બંને પોતાપોતાના દાવા કરી રહ્યું છે

ચેરમેન-હોદ્દેદારો સામે ખૂદ ભાજપના જ ધારાસભ્ય મેદાને પડ્યા છે આ ધારાસભ્યોમાં કેતન ઈનામદાર, મધુ શ્રીવાસ્તવ, કરજણના અક્ષય પટેલ અને ડભોઈના શૈલેષ મહેતા ભાજપ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ તરફ બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે વિવાદ મામલે ઉકેલ ના આવ્યો તો ચેરમેન પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે

ભાવફેર અત્યારે નહીં પણ આગામી વર્ષે અપાશે : દિનેશ પટેલ

 દિનેશ પટેલે વધુમાં કહ્યું કે મે ડેરીને હિસાબ આપ્યો છે અને અન્ય સંઘો કરતા વધુ ભાવ ચુકવ્યા છે, ટેક્સ ચુકવવો પડતો હોવાથી બે હપ્તામાં ભાવફેર ચુકવવામાં આવે છે, વધુમાં ડેરીના ચેરમેને તમામને પોતાની રીતે માંગણી કરવાનો અધિકાર છે કહેતા કહ્યું કે 100 ધારાસભ્યો ભેગા થશે તો પણ મને કંઇ ફરક પડશે નહીં અને ભાવફેર અત્યારે નહીં પણ આગામી વર્ષે અપાશે તેવું જણાવ્યું છે. 

 ગુરૂવારથી બરોડા ડેરીની સામે તંબુ તાણીને બેસી રહીશું : કેતન ઇનામદાર

 બરોડા ડરીમાં ધારાસભ્યો કેતન ઇનામદાર અને અક્ષય પટેલની આગવાનીમાં પશુપાલકો દ્વારા ડેરી પ્રમુખને રજૂઆત કરવામાં આવી હોવા છતા દૂધમાં યોગ્ય ભાવફેર અંગે સત્તાધિશો સાથેની બેઠકમાં કોઇ નિવેડો ન આવતા કેતન ઇનામદાર બેઠક છોડીને નીકળી ગયા હતા. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અને ગુરૂવારથી બરોડા ડેરીની સામે તંબુ તાણીને બેસી રહીશું.

સમર્થક ધારાસભ્યો કહ્યું ગુરુવારથી હલ્લાબોલમાં જોડાઈશું 

 વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ડેરીમાં ચૂંટાયેલા સભાસદો ફરવા નીકળી ગયા છે અને પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ મળતા નથી. હું કેતન અને તમામ ધારાસભ્યોની સાથે જ છું. અમે સરકારમાં રજૂઆત કરીને પશુપાલકોને યોગ્ય ભાવ મળે તે માટે રજૂઆત કરીશું. ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, પશુપાલકોના હિતમાં હું કેતન ઇનામદાર સાથે છું.

ડેરી સત્તાધીશોએ કેતન ઇનામદારને આપેલુ વચન પાળ્યું નથી જો આજે નિરાકરણ નહીં આવે તો કેતન ઇનામદાર સાથે રહીશું. પશુપાલકો અમારા મતદારો છે, તેમના માટે અવાજ ઉઠાવી રહ્યા છે. કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે, હું કેતન ઇનામદાર સાથે સહમત છું. કરજણના પશુપાલકોને પણ ભાવફેરની રકમ નથી મળતી. નિરાકરણ નહીં આવે તો ગુરુવારના હલ્લાબોલમાં હું પણ જોડાઈશ.

(5:34 pm IST)