Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

યુવકને સમાધાનના બહાને બોલાવી હત્યા કરવામાં આવી

સુરત શહેરના ગોડાદરા વિસ્તારનો બનાવ : ગણપતિ પંડાલમાં ભંડારામાં જમ્યા બાદ સમાધાનના બહાને બોલાવી માથામાં પથ્થર મારી, છરીના ઘા ઝીંકી હત્યા કરી

સુરત,તા.૨૦ : સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય બાબતોમાં હત્યાના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને પરપ્રાંતિય લોકોની વસતિ ધરાવતા વિસ્તારોમાં નાની નાની બાબતોના ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરે છે. આવા એક વિસ્તારમાં ગઈકાલે રાત્રિના નજીવી બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો છે.   સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મધરાત્રે બાઈકને કટ મારવાના મુદ્દે થયેલા ઝઘડામાં સમાધાન બહાને બોલાવી યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. બે દિવસ અગાઉ ઝઘડા બાદ સમાધાન થઇ ગયું હતું. જો કે  ગણપતિ પંડાલમાં ભંડારામાં જમ્યા બાદ સમાધાનના બહાને બોલાવી માથામાં પથ્થર મારી અને છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. સુરતમાં માત્ર બાઈકને કટ મારવા મુદે યુવાની કરપીણ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ગોડાદરાના આસ્તિક નગરની બાજુમાં પ્રિયંકા સોસાયટીમાં રહેતા અમીતકુમાર ગોપાલકુમાર રવાની બે દિવસ અગાઉ કામ અર્થે બાઇક લઇને નીકળ્યો હતો. દરમિયાન તેના મિત્ર અમીત ઉર્ફે પ્રદ્યુમન યાદવએ બાઇકને કટ મારી હતી. જેથી અમીત યાદવ અને અમીત રવાની વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં તેઓ વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. ગત રોજ અમીત રવાની અને તેનો મિત્ર આદિત્યસિંહ અખિલેશ રાજપૂત સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભંડારો હોવાથી જમવા ગયા હતા.

જયાં અમીત યાદવ અને તેના મિત્ર રોહીત ઉર્ફે વિક્કી યાદવ તથા રીતુરાજ પાસ્વાન પણ આવ્યા હતા. જયાં તેઓ વચ્ચે પુનઃ બાઇકની કટ મારવાના મુદ્દે ઝઘડો થયો હતો. જોકે, અન્ય લોકોએ દરમિયાનગીરી, કરતા મામલો શાંત પડી ગયો હતો અને તેઓ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. પરંતુ રાત્રે ૧૨.૧૫ વાગ્યાના અરસામાં અમીત યાદવે અમીત રવાનીને ફોન કરી સમાધાનના બહાને લક્ષ્મણનગર સોસાયટીમાં બોલાવ્યો હતો. જયાં અમીત તેના મિત્ર આદિત્યસિંહ સાથે જતા તેઓ વચ્ચે પુનઃ ઝઘડો થયો હતો. જેમાં રોહીતે આદિત્યના માથામાં પથ્થર માર્યો હતો અને રીતરાજ અને અમીત યાદવે છરી વડે ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. ગંભીર ઇજાને કારણે કાપડની દુકાનમાં નોકરી કરતા આદિત્યનું મોત થયું હતું. ઘટનામાં ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી અમીત યાદવ, રોહિત અને રીતુરાજની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:06 pm IST)