Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોલવડા ગામમાં ' આમ આદમી પાર્ટીના 'ના લોકડાયરામાં પથ્થરમારો બાદ ખુરશીઓ ઉછળી : ભારે અફડાતફડી મચી

ભાજપના મળતીયાઓએ હાર ભાળી જઈ કૃત્ય કરાવ્યું હોવાનો આપ નો આક્ષેપ

ગાંધીનગર કોર્પોરેશનની આગામી તા.૩ ઓકટોબરે ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ જોર લગાવ્યુ છે અને ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા કોલવડા ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું.જેમાં પથ્થરમારો થયા બાદ ખુરશીઓ ઉછળી હતી અને ભારે અફડાતફડી મચી ગઈ હતી. આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપ ઉપર નિશાન સાધ્યુ છે અને તેના મળતીયાઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે શાંત ગણાતાં ગાંધીનગરમાં હવે ચુંટણીલક્ષી રાજકીય કાવાદાવા શરૃ થતાં માહોલ તંગ બન્યો છે જે ચિંતાનો વિષય છે.

કોર્પોરેશનની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી લીધી છે. તમામ ૧૧ વોર્ડમાં આપ દ્વારા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે અને હાલ ડોર ટુ ડોર પ્રચારની સાથે અન્ય કાર્યક્રમો પણ કરવામાં આવી રહયા છે ત્યારે ગાંધીનગર નજીક કોલવડા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશના નેતા વિજય સુંવાળાના લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશના નેતાઓની સાથે કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. ડાયરાનો કાર્યક્રમ ચાલી રહયો હતો તે દરમ્યાન રાત્રે કેટલાક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતાં રંગમાં ભંગ પડયો હતો અને અફડાતફડી મચી ગઈ હતી. ડાયરામાં હાજર કેટલાક લોકોએ ખુરશીઓ પણ ઉછાળી હતી જેના કારણે માહોલ તંગ થઈ ગયો હતો. ત્યારબાદ કાર્યક્રમ બંધ રાખવાની ફરજ પડી હતી. કોર્પોેરેશનની ચૂંટણી દરમ્યાન રાજકીય કાર્યક્રમમાં થયેલા આ પ્રકારના કૃત્યથી પોલીસ પણ દોડતી થઈ હતી ત્યારે આ મામલે આપના યુવા મોરચાના પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને તેને લોકોનો સારો પ્રતિસાદ મળી રહયો છે તેના લીધે ભાજપ અને કોંગ્રેસની ઉંઘ ઉડી છે. ગઈકાલના કાર્યક્રમમાં પણ ભાજપે તેના મળતીયાઓને મોકલી પથ્થરમારો કરાવી માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરતુ ભાજપના હુમલાનો જવાબ ગાંધીનગરની જનતા તા.૩ ઓકટોબરે આપી દેશે. તો ચુંટણી કાર્યક્રમ દરમ્યાન આપના નેતાઓને પોલીસ પ્રોટેકશન આપવા માટે પણ માંગણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં અત્યાર સુધી ચુંટણીઓમાં આ પ્રકારના રાજકીય હુમલાઓ થયા નથી ત્યારે હવે શરૃ થયેલી આ પ્રકારની પ્રવૃતિ આગામી દિવસોમાં જોખમી સાબિત થશે તેમ લાગી રહયું છે.

(10:53 pm IST)