Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કરજણ કોલોની સંકુલમાં સ્માર્ટ ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના માટે સૈધ્ધાંતિક મંજુરી અપાઈ

રાજ્ય સરકાર રૂા. બે કરોડના ખર્ચે અતિ અદ્યતન એકવીસમી સદીને અનુરૂપ લાઇબ્રેરી બનાવીને નર્મદા જિલ્લાના લોકોને વિશ્વના જ્ઞાન ભંડાર સાથે જોડાવાની તક આપશે : સરકાર ધ્વારા અપાયેલી સૈધ્ધાંતિક મંજુરી: શુભઅસ્ય શીઘ્રમ: જિલ્લા કલેકટર ડી.એ.શાહે નર્મદા જિલ્લાને મળનારી સુવિધા માટે તાબડતોબ ૧૫૦૦ ચો.મી.જમીન ફાળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકાર નર્મદા જિલ્લાના સ્માર્ટ વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તેના ભાગરૂપે જિલ્લાને સ્માર્ટ, ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના યુગમાં પ્રવેશ કરાવવાના દ્વાર માટે હાલમાં રૂા.૨ (બે) કરોડના ખર્ચે અતિ અદ્યતન એકવીસમી સદીને અનુરૂપ લાઇબ્રેરી બનાવવા માટેની સૈધ્ધાંતિક મંજુરી આપીને નર્મદા જિલ્લાના લોકોને વિશ્વના જ્ઞાન ભંડાર સાથે જોડાવાની તક પુરી પાડી છે. જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે આ સુવિધા જિલ્લાને શક્ય તેટલા ઓછા સમયમાં મળે તે માટે જિલ્લા પ્રશાસનને સક્રિય કરીને તાબડતોબ ૧૫૦૦ ચો.મી. જેટલી જમીન ફાળવી ક્રિયાશીલ નેતૃત્વનો દાખલો બેસાડ્યો છે.

રાજપીપલા શહેરી વિસ્તાર સહિત નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાકીય જનસુખાકારી માટે સરકાર ધ્વારા અમલી વિવિધ યોજનાઓને મહત્તમ લાભ મળી રહે તે માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહના દિર્ધદ્રષ્ટિ નેતૃત્વ હેઠળ જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા તબક્કાવાર હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટસને સરકાર તરફથી મળી રહેલી મંજુરીની મહોરમાં વધુ એક ઉક્ત પીછું ઉમેરાયું છે.જેમાં રાજપીપલા શહેરની વચ્ચોવચ કરજણ કોલોની સંકુલમાં સરકાર તરફથી ૧૫૦૦ ચો. મીટર જમીન નવીન જિલ્લા સરકારી પુસ્તકાલયના બાંધકામ માટે મંજુર કરવામાં આવતાં જિલ્લા કલેકટર તરફથી આ જમીનનો કબજો રાજ્યના ગ્રંથાલય વિભાગને તાબડતોબ ફાળવીને સુપ્રત કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે પ્રજાજનોને વાંચન સુવિધા ઉપલબ્ધ બને તે ઉદ્દેશથી ગત-૨૦૦૧ ના વર્ષથી સરકારી જિલ્લા ગ્રંથાલય સેવાઓ શરૂ કરાયેલ હતી. પરંતુ આ ગ્રંથાલય માટે સરકારી ભવન ઉપલબ્ધ ન હોવાના લીધે કરજણ વહિવટી સંકુલના ભોયતળિયે હાલમાં ગ્રંથાલયની સેવાઓ ભાડાના મકાનમાં અપાઇ રહી છે. જેથી નર્મદા જિલ્લા કલેકટર તરફથી નવીન સ્માર્ટ ગ્રંથાલયના ભવનના બાંધકામ માટે કરજણ સિંચાઇ યોજના હસ્તકની જમીન સંપાદન કરવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરાતાં અને મહેસૂલ વિભાગની તમામ વહિવટી પ્રક્રિયા બાદ સંપાદિત જમીન મહેસૂલ વિભાગ ધ્વારા ફાળવાતાં રાજપીપલા ખાતે આગામી સમયગાળામાં નવી બાબત તરીકે રજુ કરી જરૂરી નાણાંકીય જોગવાઇ ઉપલબ્ધિ માટેની કાર્યવાહી કરાશે.

(11:50 pm IST)