Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

૩.૫૬ લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર મહિલા ઝડપાઈ

પાંચ માર્ચના રોજ ઠગાઈ કરવામાં આવી હતી : સાયબર ક્રાઇમે પ.બંગાળથી ઠગબાજ મહિલાને ઝડપી પાડી તેને કોર્ટમાં રજુ કરી ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા

સુરત, તા.૧૯ : રાંદેર રામનગર ગવર્મેન્ટ ક્વાર્ટ્સમાં રહેતી કોર્ટની મહિલા કલાર્ક ઓનલાઇન વર્ક ફ્રોમ હોમની તપાસ કરતી હતી. ત્યારે ભેજાબાજે વોટ્સઅપ ઉપર લીંક મોકલી હતી અને લીંકને રજીસ્ટર કરાવ્યા બાદ ક્લાર્ક પાસે અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટના નામે ૩.૫૬ લાખ રૂપિયા પડાવી લેવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમે પશ્ચિમ બંગાળથી ઠગબાજ મહિલાને ઝડપી પાડી તેને કોર્ટમાં રજુ કરી ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

રાંદેર રોડ રામનગર ગવર્મેન્ટ કવાર્ટ્સમાં રહેતા મૂળ ભાવનગરના સીદસર રોડ તળાજાના વતની પારુલબેન નાથાભાઈ પરમાર સુરત ડીસ્ટ્રીકટ કોર્ટમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. પારુલબેન ગુગલ ઉપર વર્ક ફ્રોમ હોમની તપાસ કરતા હતા, તે દરમ્યાન ગત તા ૫ માર્ચના રોજ એક લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી લિંક આવી હતી.

લિંક મોકલનારે પોતાની ઓળખ પની તરીકે આપી વોટ્સઅપ મેસેજ કરી લિંકમાં એકાઉન્ટ રજીસ્ટર કરવાનું કહ્યું હતું. જેથી પારુલબેને લિંક ઓપન કરી ઍકાઉન્ટ બનાવી ડાઉનલોડ કરી હતી. જેમાં હોમ સર્ચ, બીંગો થતા માય નામના ઓપ્શન હતા. ભેજાબાજ પનીએ વોટ્સઅપ મેસેજ કરી તમારે રૂપિયા ૧૦૦નું રીચાર્જ કરશો તો તેમના ૨૨૦-૨૪૦નું પ્રોફીટ મળશે કહી એપ્લિેકશન રિચાર્જ કેવી રીતે કરવું તેના વીડિયો અને ફોટોગ્રાફ મોકલ્યા હતા. આમ રીચાર્જના નામે કુલ ૩.૫૬ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા પારૂલબેને એક મહિના પહેલા પોલીસ ફરિયાદ કરી હતી. જેની તપાસમાં પોલીસના છેડા પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા હતા.

સુરત સાયબર ક્રાઈમની ટીમે જલપાઈ ગુડી પશ્ચિમ બંગાળ ખાતેના સુલકાપરા ગામમાંથી ઠગાઈ કરનાર મહિલા અનીતાકુમાર સુબ્બાને ઝડપી લીધી હતી. પોલીસ તેને સુરત લઈ આવીને કોર્ટમાં રજુ કરી ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અનીતા સુબ્બા આ રીતે ઠગાઈ કરતી ગેંગની સભ્ય હોવાનું જાણવા મળે છે તેની પાછળનો માસ્ટર માઈન્ડ પકડાય તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તેમ છે.

(8:55 pm IST)