Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પરિવાર વચ્ચે ખેલાયો ખૂની ખેલ, એકનું મોત, ૩ ઘાયલ

થરાદના મોરથલ ગામનો બનાવ : નટાજી ઠાકોર તેમના પિતરાઈ ભાઈની પત્ની સાથે ફોન પર વાતચીત કરતા પકડાઈ ગયા બાદ ખુની ખેલ ખેલાયો

બનાસકાંઠા, તા.૧૯ : બનાસકાંઠાના સરહદી વિસ્તાર મોરથલ ગામમાં આડા સંબંધો મામલે બે પિતરાઇ ભાઇઓના પરિવાર વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. ઘાતક હથિયારો વડે સામસામે મારામારી થતાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. થરાદ તાલુકાના મોરથલ ગામે રહેતા ઠાકોર પરિવારના બે પિતરાઈ ભાઈઓ વચ્ચે ઘાતક હથિયારો વડે મારામારી થઈ હોવાની ઘટના બની હતી. જેમાં એક વર્ષ અગાઉ નટાજી ઠાકોર તેમના પિતરાઈ ભાઈની પત્ની સાથે ફોન પર વાતચીત કરતા પકડાઈ ગયો હતો. જેથી તેના પરિવારજનોએ એક વર્ષ સુધી તેને ગામ બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, તે દરમિયાન ગઇકાલે સોમવારે નટાજી તેના ઘરે આવતા પિતરાઈ ભાઈના પરિવારજનો તેના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા. તે સમયે બંને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા મારામારી થઈ હતી. ધારીયું, ધોકા, લાકડી જેવા ઘાતક હથિયારો વડે સામસામે મારામારી થતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં લોહીલુહાણ થયેલા વરધાજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે થરાદ પોલીસે આઠ લોકો સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

થોડા સમય પહેલા થરાદમાં હત્યાની ઘટના સામે આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં મોડી સાંજે થરાદ તાલુકાના મેઢાળા ગામે કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે માતા-પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે થરાદ મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. થરાદ પોલીસે બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા હત્યારાઓ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:56 pm IST)