Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સરકારી અધિકારીઓ કે કર્મચારીઅો કામ કરવા માટે પૈસા માંગે તો તેનું રેકોર્ડ કરી લો અને ઍ રેકોડ મને મોકલજા, અમે તેમની સામે તાત્કાલીક પગલા લઇશુઃ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી આકરા પાણીઍ

મહેસુલ વિભાગની ટીમો કલેકટર કચેરીનું સરપ્રાઇઝ ચેકીંગ કરશે અને લોકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે કામ કરશે

અમદાવાદઃ મહેસૂલ ખાતામાં લાંચના અનેક કિસ્સાઑ વચ્ચે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એવા આદેશ આપ્યા છે કે હવે અધિકારી લાંચ લેતા 100 વખત વિચારશે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરી છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાંચિયા અધિકારી-કર્મચારીઓને લઇને જનતાને અપીલ કરી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, કોઇ અધિકારી-કર્મચારી પૈસા માગે તો રેકોર્ડ કરી લો...રેકોર્ડિંગ મને મોકલજો તાત્કાલિક પગલાં લેવાશે.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ACB લાંચિયા અધિકારીઑ પર સકંજો કશી રહી છે. અનેક નાના મોટા સરકારી અધિકારીઑ લાંચ લેતા પકડાયા છે. ત્યારે જનતાને વધુ જાગૃત કરવા અને અધિકારીઑને એક કડક મેસેજ આપવા કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સામાન્ય લોકોને મીડિયા થકી આ વિનંતી કરી છે.

કલેકટર કચેરીનું સરપ્રાઇઝ ચેકિંગ

આવતીકાલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બેઠક યોજશે. રાજ્યના તમામ કલેક્ટરો-પ્રાંત સાથે બેઠક યોજશે. જે અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે બેઠકમાં મહેસૂલના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવશે...મહેસૂલ વિભાગે કેટલીક ટીમો બનાવી છે. ટીમો કલેકટર કચેરીનું સરપ્રાઇઝ ચેકિંગ કરશે. લોકોના પ્રશ્નો જાણવા ટીમો પ્રયાસ કરશે. સેવા સેતુની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેના થકી લોકોને મુઝવતા પ્રશ્નો ઘરે બેઠા સોલ્વ થઈ શકશે.

લાંચ કેસમાં સરકાર લડાયક મુડમાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એન્ટી કરપ્શન બ્યુરોની તાબડતોડ કાર્યવાહી જોવા મળી રહી છે...છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં અનેક નાના મોટા લાંચિયા અધિકારીને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે.. જેમાં અમુક અધિકારી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે. અને આવા મોટા અધિકારીઓ ઝડપાઈ જાય તેવું ગુજરાતમાં બહુ ઓછું બન્યું છે. જ્યારથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર અને નવું મંત્રીમંડળ આવ્યુ છે ત્યારથી જ સરકાર ખુબ એક્શનમાં જોવા મળી રહી છે...તમામ મોર્ચે સરકાર હાલ લડાયક મુડમાં છે.

ભ્રષ્ટવૃત્તિનું દહન ક્યારે થશે?

ભ્રષ્ટ વહીવટદારો સામે આ કાર્યવાહીથી અન્ય ભ્રષ્ટ ઓફિસરોમાં પણ ફફડાટ ફેલાયો છે...અને હોવો પણ જોઈએ...કારણ કે અધિકારીઓને કામના બદલામાં ઉચ્ચ વેતન મળે છે...જાતભાતના ભથ્થા મળે છે. તેમ છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ લોકો પાસેથી નાણાં પડાવે છે...જે ક્યારેય ચલાવી ન લેવાય....અહીં કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે કે અધિકારીઓની ભ્રષ્ટવૃત્તિનું દહન ક્યારે થશે?. લાંચિયાઓની લાલચ પર લગામ કેવી રીતે આવશે? સરકારના મંત્રીની જાહેરાત બાદ હવે લોકોએ જાગવાનું છે અને કોઈ પણ કામ માટે જો સરકારી અધિકારી રૂપિયાની માગણી કરે તો વીડિયો ઉતારી મંત્રીજીને મોકલવાનો છે. મંત્રીએ ખાતારી આપી છે કે વીડિયોની ખરાઈ કરી તાબડતોબ એક્શન લેવાશે.

(5:04 pm IST)