Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં માતાજીની પાલખીયાત્રા પુનઃ કાઢવાની મંજૂરી આપવામાં આવતા ભક્તોમાં આનંદ જોવા મળ્યો

મહેસાણા:જિલ્લાના તીર્થધામ બહુચરાજીમાં દર પૂનમે નીકળતી બહુચર માતાજીની પાલખીયાત્રા દોઢ વર્ષ અગાઉ કોરોના મહામારીના કારણે સ્થગિત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણની સ્થિતિ હળવી થતાં તંત્ર દ્વારા પુનઃ પાલખી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે.

કોરોના મહામારીને લઇ બહુચરાજીમાં ૧૯ મહિનાથી દર પૂનમે રાત્રે નીકળતી બહુચર માતાજીની પાલખી બંધ કરી દેવાઇ હતી. કોરોનો હળવો થતાં આ પાલખી પુનઃ શરૃ કરવા શ્રદ્ધાળુઓની લાગણીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી અપાઇ છે. બહુચર માતાજીની પાલખી પુનઃ શરૃ કરવા શંખલપુર ટોડા બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ અને બહુચરાજી વેપારી મહામંડળ દ્વારા ૧૬ ઓક્ટોબરે મંદિર ટ્રસ્ટને અરજી કરવામાં આવી હતી. આ અગાઉ સ્થાનિક આગેવાનો દ્વારા પણ ગાયકવાડ સમયથી નીકળતી માતાજીની પાલખી પરંપરા શરૃ કરવા રજૂઆતો કરાઇ હતી. જેથી આ વિસ્તારના શ્રદ્ધાળુઓમાં આનંદ સાથે ઉત્સાહ વ્યાપી ગયો છે. આસો સુદ પૂનમને બુધવારે રાત્રે ૯ વાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બહુચરાજીથી માતાજીની પાલખી શંખલપુર ગામે જશે. 

(5:53 pm IST)