Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શરદોત્સવ ઉજવાયો : સંતો -પાર્ષદો અને હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી

સુરત ગુણાતીત યુવક મંડળ કલાકુંજ તથા જૈમીશભગત ધ્વારા શરદોત્સવ રાસની રમઝટ

વડતાલ ખાતે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના સાંનિધ્યમાં ભવ્યાતિભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પટાંગણમાં આવેલ હરિમંડપના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તૈયાર કરવામાં આવેલ સમીયાણામાં સંતો -પાર્ષદો અને હરિભક્તોએ સુરત ગુણાતીત યુવક મંડળ કલાકુંજ તથા જૈમીશભગત ધ્વારા શરદોત્સવ રાસની રમઝટ બોલાવી હતી.

વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં વાજતે-ગાજતે ઠાકોરજીની પાલખીયાત્રા નીકળી હતી. હિરમંડપના પાછળના ભાગે ઉભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા.

જ્યાં ઠાકોરજીનું પૂ.આચાર્ય મહારાજ, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, ચૈતન્યાનંદજી, ચેરમેન પૂ. દેવ સ્વામી, પૂ. બ્રહ્મસ્વરૂપ સ્વામી, પુરાણી વિષ્ણુ સ્વામી, પૂ.ગોવિંદ સ્વામી સહિતના સંતો પૂજા વિધિ કરી હતી. માંડવડીમાં બિરાજમાન ઠાકોરજીને કેસર મિશ્રિત દુધ-પૌઆનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ આચાર્ય મહારાજ અને બ્રહ્મચારી ધ્વારા પાંચ આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ મંદિરના ટ્રસ્ટી સભ્ય સંજયભાઈ શાંતિલાલ પટેલ, મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ – નિલગરીવાળા, સુરતના મેયર જગદીશભાઈ પટેલ, સ્વામિનારાયણ હોસ્પિટલનાં ટ્રસ્ટી સભ્ય કાંતિભાઈ ચોવટીયા વગેરે અગ્રણીય ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

સુરત કલાકુંજના શાસ્ત્રી વિવેકસાગર સ્વામીએ શરદોત્સવ મહિમાની કથાનું રસપાન કરાવ્યું હતું. યજમાન પરિવાર ધ્વારા પૂ.મહારાજ તથા વડીલ સંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂ.મહારાજએ ઉપસ્થિત હરિભક્તોને આર્શીવચન પાઠવ્યા હતા. ચેરમેન પૂ.દેવ સ્વામીએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.

સુરત કલાકુંજ ગુણાતીત યુવક ગ્રુપ ધ્વારા રાસની રમઝટ બોલાવી હતી. જેમાં સંતો-પાર્ષદો હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂ.શ્યામ સ્વામીએ કર્યું હતું. સૌ હરિભક્તોએ રાસોત્સવ બાદ દુધ-પૌંઆનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

(8:11 pm IST)