Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ગુજરાતના હાર્દિકે જર્મનીમાં લલકાર્યું 'સપના વિનાની આખી રાત' કોઇપણ ઇન્સ્ટ્રુમેન્ટ વગર ગીત પ્રસ્તુત કરીને લોકો થયા મંત્રમુગ્ધ

હાર્દિક ચૌહાણે જર્મનીમાં ગુજરાતી ગીતો પ્રસ્તુત કરીને સૌને ગીતના તાલે ઝુલાવ્યા : જુઓ વિડિઓ

અમદાવાદ :ગુજરાતના હાર્દિક ચૌહાણે જર્મનીમાં ગુજરાતી ગીતો પ્રસ્તુત કરીને સૌને ગીતના તાલે ઝુલાવ્યા હતા. હાર્દિકનું આ ગીત સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય ફિલ્મને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. આ ફિલ્મનું સિંગર આદિત્ય ગઢવીના સ્વરે ગવાયેલું એક સોંગ 'સપના વિનાની આખી રાત' ખુબ જ લોકપ્રિય થયું હતું. ત્યારે હવે આ જ ગીત જર્મનીમાં ગુંજ્યું હતું. મૂળ અમદાવાદના વતની અને હાલ FSU Jena યુનિવર્સિટીમાં મેડિકલ એન્જિનિયર તરીકે જોબ કરતા હાર્દિક કમલેશભાઈ ચૌહાણે આ ગીત દોહરાવ્યું છે. સોલીસ્ટ હાર્દિક ચૌહાણે મેડિકલ સ્ટુડન્ટ સાથે આ ગીત પ્રસ્તુત કરીને સૌના દિલ જીતી લીધા હતા. ત્યારે હાર્દિકનું આ સોંગ સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઇ રહ્યું છે. 

હાર્દિક ચૌહાણના પિતા કમલેશ ચૌહાણએ  જણાવ્યું હતું કે, હાર્દિકે આ સોંગ Jena શહેરની Jena યુનિવર્સિટી દ્વારા ચર્ચમાં યોજાયેલા કાર્યક્રમમાં ગાયું હતું. આ પ્રોગ્રામમાં કોઇ પણ વાજિંત્રનો ઉપયોગ થયો નથી.

કમલેશ ચૌહાણે જણાવ્યું હતું કે, હાર્દિક છેલ્લા 5 વર્ષથી જર્મનીમાં મેડિકલ એન્જિનિયર તરીકે જોબ કરે છે. જોકે તેમની હોબી નાટક અને સંગીત છે. તેમને ગુજરાત ફોલ્ક ખુબ જ પસંદ છે. તેમણે આ અગાઉ પણ જર્મનીમાં કેટલાક ગીતો ગાયા હતા. આ વખતે જે 2 ગીત ગાયા છે, તેમાંથી એક છે સપના વિનાની આખી રાત અને બીજુ છે કસંબીનો રંગ. હાર્દિક ચૌહાણે અમદાવાદમાં અનેક જાણીતા સિંગરો સાથે કામ કરેલું છે. તેમણે થિયેટર, નાટકમાં પણ કામ કર્યું હતું.

જોકે તેમના પિતાએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ સંગીતના ચાહક છે, તે એક વિદ્યાલયમાં મ્યુઝિક ટિચર છે. હાર્દિકના ભાઈ શુભ ચૌહાણ પણ સિંગર છે, આમ આખો પરિવાર સંગીતમાં જ છે.

 

(10:45 pm IST)