Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોર્પોરેશનના કાર ચાલકની અડફેટે સાઈકલ સવારનું મોત

નવા વર્ષની શરૂઆતે જ કરૂણ ઘટના : બ્રિજ પર કોર્પો.ના કોન્ટ્રાક્ટ પર ચાલતી કારે ટક્કર મારી

અમદાવાદ, તા. ૧૯ : નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થઈ રહી છે. ગઈકાલે બુધવારે રાજ્યમાં અલગ-અલગ ત્રણ અકસ્માતોની ઘટનામાં ૧૭ લોકોના મોત નિપજ્યા હતા. રાજ્યમાં આજે પણ અકસ્માતની બે ઘટના બની છે. જેમાં એક અમદાવાદમાં અને એક ખંભાળિયામાં. આ બંને ઘટનાઓમાં કુલ ૩ વ્યક્તિના મોત થયા છે. ખંભાળિયામાં કાર નદીમાં ખાબકતા ૨ મહિલાઓના જ્યારે અમદાવાદમાં કારની ટક્કર સાઈકલ સવાર વ્યક્તિનું મોત થયું છે.

ઘટનાની વિગતો મુજબ, એએમસીના કોન્ટ્રાક્ટ હેઠળ શહેરભરમાં વડીલોની સુખાકારી સેવા માટે કાર દોડાવવામાં આવે છે. જેમાં શહેરના નહેરુબ્રિજ પર એએમસી કોન્ટ્રાક્ટ હેઠળ રાખેલી કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન બેદરકારીથી કાર હંકારી રહેલા ડ્રાઈવરે ત્યાંથી પસાર થતા સાઈકલ સવાર વ્યક્તિને અડફેટે લીધો હતો. આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનનારી વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

કાર ચાલકે સર્જેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત સાઈકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતા કાર ચાલક કારને ત્યાં મૂકીને જ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ બી ડિવિઝન ટ્રાફિક પોલીસને આ બનાવની જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ મૃતક વ્યક્તિ વિશે વધુ જાણકારી મળી શકી નથી.

ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યમાં અકસ્માતની ત્રણ ઘટનાઓ બની હતી. જેમાં પાવાગઢ દર્શને જતા એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં ૧૦ જેટલા લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગર-લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ૪ના મોત થયા હતા. જ્યારે સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨૦ જેટલા મુસાફરોને ઈજા થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(9:21 pm IST)