Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં કોરોના ડરથી યુવતીએ એસિડ પી આપઘાત કર્યો

મૃતક નયના પટેલને ત્રણ-ચાર દિવસથી શરદી અને ઉધરસ સાથે તાવ આવતો હતો

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં રહેતા 29 વર્ષીય મહિલાએ કોરોના ડરથી આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.   મળતી માહિતી મુજબ અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી મહાવીર નગર સોસાયટીમાં રહેતાં નયના પટેલને ત્રણ-ચાર દિવસથી શરદી અને ઉધરસ સાથે તાવ આવતો હતો. અને દિવાળી દરમિયાન અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થયો હતો. તેથી નયનાબેનને બીક હતી કે તેઓ કોરોનાથી મરી જશે અને આ બીકના લીધે તેમણે જાતે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું. નયનાબેને કોરોના થવાના ભયે એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને શરીર ઉપર પણ એસિડ છાંટી દીધું હતું તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન નયનાબેનનુ મોત થયું હતુ. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકારના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે તારીખ 20 નવેમ્બર શુક્રવાર રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ ગુરુવારે પરિપત્ર બહાર પાડી અમદાવાદમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ નિર્ણય માત્ર રાજ્યમાં અમદાવાદ પુરતો છે. બીજા શહેરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો નથી. નવો આદેશ બહાર ન પડાય ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ ચાલુ રખાશે.

(11:27 pm IST)