Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

તહેવારોમાં ગાંધીનગરમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યોઃ છેલ્લા ૪ દિવસમાં ૪૧ને ભરખી ગયો

શહેર અને જીલ્લામાં વધી રહેલા કેસ ચિંતા ઉપજાવે છે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૨૦ :. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ સિવિલ હોસ્પીટલમાં ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમ વખત દિવાળીના તહેવારોમાં છેલ્લા ૪ દિવસમાં કોરોનાએ ૪૧ લોકોનો ભોગ લીધો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા રોકેટગતિએ વધતી જતી હોવાનું દેખાઈ રહ્યુ છે. આ કેસોના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સરકારી તંત્રએ મૌન ધારણ કરી લીધુ હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. આરોગ્યતા સત્તાવાળાઓ સતત સિવિલ હોસ્પીટલની મુલાકાત લઈ રહ્યા છે. જેનાથી લોકોમાં ચર્ચાનો અને શંકાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

૧૭મી તારીખે ગાંધીનગર સિવિલમાં ૧૬ દર્દીઓના મૃત્યુ થયાનુ સામે આવ્યુ છે. આમા મુખ્ય કારણ ઓકિસજનનું લેવલ એકદમ ઘટી રહ્યુ હતું.

બિનસત્તાવાર સૂત્રોમાં થતી ચર્ચા મુજબ ગાંધીનગર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે રાજ્ય સરકારને પત્ર લખી હાલની ઓકિસજનની ટેન્કમાં વધારો કરી સ્થાયી કરવામાં આવે તેવો આગ્રહ રાખ્યો છે.

સરકારના આરોગ્ય તંત્ર દ્વારા મૃત્યુ આંકડા અંગે મૌન સેવવામાં આવી રહ્યુ હોવાનું ચર્ચાય છે.

સિવિલ હોસ્પીટલના સુપ્રિ. ડો. લાખાણીના કહેવા મુજબ આ પ્રકારનો કોઈ બનાવ બનવા પામ્યો નથી. સિવિલ હોસ્પીટલ ખાતે પુરતા પ્રમાણમાં ઓકિસજનનો કોટા છે. ઓકિસજન લેવલ સતત માપવામાં આવી રહ્યુ છે.

(12:58 pm IST)