Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોનાને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદને લશ્કરને હવાલે કરી દોઃ જશુભાઇ પટેલ

ગુજરાતમાં ૩પ હજાર સભ્યો ધરાવતા કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો.ના ચેરમેને કોરોના વધવાની દહેશત વ્યકત કરી : યુરોપ સહિતના ખંડમાં ઠંડી વધતા કેસો વધ્યાઃ અમદાવાદમાં આવું થાય તો ? ત્રીજા વિશ્વયુદ્ધ જેવું વાતાવરણ થઇ જાય ?! : લોકો સાથેના સંઘર્ષને કારણે પોલીસ ખોટી રીતે બદનામ થાય છે

રાજકોટ તા. ર૦ : છેલ્લાં થોડાક દિવસો દરમ્યાન અને ખાસ કરીને દિવાળીની રજાઓ પછી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો જેટગતિએ વધી ગયા છે. મૃત્યુ આંકમાં પણ ફરી પાછો વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.

આવા તમામ પરિબળો વચ્ચે સમગ્ર ગુજરાતમાં ૩પ હજાર જેટલા સભ્યો ધરાવતા સંગઠન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના ચેરમેન જશુભાઇ પટેલે એક નિવેદન આપતા અકિલાને આજે જણાવ્યું હતું કે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદને આર્મી લશ્કરને હવાલે કરી દેવું જોઇએ.

જશુભાઇએ હજુ પણ કોરોના વધવાની દહેશત વ્યકત કરતા જણાવ્યું હતું કે યુરોપ સહિતના ખંડોના દેશોમાં ઠંડીમાં વધારો થતાં કોરોનાના કેસોમાં ફરી પાછો ભયંકર ઉછાળો આવ્યો છે. ઘણા દેશોમાં તો લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. આવી સ્થિતિ અમદાવાદ તથા ગુજરાતમાં પણ થઇ શકે છે, કારણ કે હાલમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે.

કોરોના મહામારી તથા દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો અને મૃત્યુઆંક વધવાની દહેશતને કારણે ત્રીજા વિશ્વયુદ્ધ જેવું વાતાવરણ સર્જાવાની શકયતા જશુભાઇએ વ્યકત કરી હતી. ફરજીયાત માસ્ક, સેનેટાઇઝેશન, સોશ્યલ ડીસ્ટન્સીંગ વિગેરે તકેદારીનું પાલન કરાવવામાં ઘણી વખત લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી જાય છે. પરિણામે પોલીસ પણ ખોટી રીતે બદનામ થતા હોવાનું જણાવ્યું હતું.

જો થોડા સમય કે પંદરેક દિવસ માટે અમદાવાદને આર્મીને હવાલે કરી દેવામાં આવે તો આપોઆપ નિયંત્રણ પણ આવી જાય અને કોરોના ઓછો થતાં લોકો પોતાની મહામૂલી જીંદગી સારી રીતે જીવી પણ શકે તેવું જણાવ્યું હતું. ર૦ર૦-ર૧ નું વર્ષ જીવન જીવવા માટેનું વર્ષ હોવાનું પણ જશુભાઇએ અંતમાં જણાવ્યું હતું.

(2:51 pm IST)