Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભાજપનું નવુ પ્રદેશ માળખુ તૈયારઃ મહામંત્રીઓ સહિતના સ્થાનોમાં નવા ચહેરા

ભીખુભાઈને કેન્દ્રીય સંગઠનમાં લઈ જવાય તેવી શકયતા નહીંતર હાલના સ્થાને યથાવતઃ રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ નવા મહામંત્રી બને તેવા નિર્દેશઃ હાલના ત્રણેય મહામંત્રીઓને સત્તામાં સ્થાન અપાશેઃ સૌરાષ્ટ્રમાંથી ભંડેરી, ચુડાસમા, ખીમાણી વગેરેને તક

રાજકોટ, તા. ૨૦ :. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે. એક-બે દિવસમાં જ જાહેરાતના નિર્દેશ છે. નવા માળખામાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે.

વર્તમાન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને કેન્દ્રીય સંગઠનમાં સ્થાન મળે તેવી પ્રબળ શકયતા છે. જો તેમ ન થાય તો તેમને હાલના મહામંત્રી તરીકે યથાવત રખાશે. ઉપરાંત વડોદરાના ભાર્ગવ ભટ્ટ, મહેસાણાના રજની પટેલ, અમદાવાદના પ્રદીપસિંહ વાઘેલા વગેરેનું નામ મહામંત્રી પદ માટે નક્કી હોવાનું જાણવા મળે છે. ગોરધનભાઈ ઝડફિયા પણ આ પદ માટે મોખરે છે.

સૌરાષ્ટ્રમાંથી ધનસુખ ભંડેરી, રાજેશ ચુડાસમા, પ્રદીપ ખીમાણી જેવા ચહેરાને મહામંત્રી કે ઉપપ્રમુખ પદે તક મળી શકે છે. વર્તમાન ત્રણ મહામંત્રીઓ કે.સી. પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમારને સંગઠનમાંથી હટાવી બોર્ડ નિગમમાં સ્થાન અપાય તેવી શકયતા છે. મંત્રી અને ઉપપ્રમુખ કક્ષાએ મહત્તમ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ અપાશે.

(3:46 pm IST)