Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરતવાસીઓ તકેદારી નહિ રાખે તો અમદાવાદ જેવી સ્થિતિ થશે : પોલીસ કમિશન અજય તોમર

બહારથી આવતા વેપારીઓ-કર્મચારીઓનો ટેસ્ટ કરાવવાની સુચના: માસ્ક વિના લોકો સામે સખ્ત દંડનીય કાર્યવાહી કરાશે : મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની કાપડના વેપારીઓ સાથે બેઠક મળી

સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે તકેદારી નહીં રખાય તો સુરતની પણ અમદાવાદ જેવી હાલત થશે. તેથી માસ્ક લગાવો અને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરો. શુક્રવારે સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની કાપડના વેપારીઓ સાથે બેઠક મળી હતી.

સુરતમાં કોરોનાને કાબુમાં રાખવા બહારગામથી આવતા તમામ લોકો માટે ટેસ્ટ  ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર  બંછાનિધી પાની અને પોલીસ કમિશનર અજય તોમરે બહારથી આવતા વેપારીઓ-કર્મચારીઓનો ટેસ્ટ કરાવવાની સુચના આપી હતી.

સુરતવાસીઓની સુરક્ષા માટે મહાનરગર પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ માસ્ક વિના લોકો બહાર અવરજવર કરશે તો સખ્ત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું

પોલીસ કમિશન અજય તોમરે જણાવ્યું હતું કે જો તકેદારી રાખવામાં નહી આવે તો સુરતની સ્થિતિ પણ અમદાવાદ જેવી થશે. જો કે બેઠકમાં અમદાવાદની જેમ કરફ્યૂ અંગે કોઇ ચર્ચા થઇ નહતી 

 

મ્યુનિસિપલ કમિશનરે શનિ-રવિની રજાના દિવસો કે અન્ય દિવસોએ કોઈ પણ જાહેર જગ્યા પર ભીડભાડ ન કરવાનો આગ્રહ કરી શહેરીજનોને સાવચેતી દાખવવા અને કોરોના સંક્રમણ અટકાવવાં માટે તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.

કમિશનરે કહ્યું હતું કે, દિવાળીના તહેવારો પછી હજુ પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી.  લોકો અચુકપણે માસ્ક પહેરે. હાલ એકમાત્ર માસ્ક જ વેક્સિન જેવું કામ કરે છે. બહારગામથી આવનાર તેમજ પ્રવાસ કરી સુરત પરત ફરનાર વ્યક્તિઓના ટેસ્ટિંગ  વધારવામાં આવ્યાં છે

 

પ્રવાસી લોકોએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં કોવિડ ટેસ્ટ કરવાનો અનુરોધ કરી તેમણે ઉમેર્યું કે, તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો હોય તો કોવિડ ટેસ્ટ સેન્ટર તેમજ ધન્વંતરિ રથનો પણ સંપર્ક કરીને ટેસ્ટ કરાવી શકાય છે.સુરતમાં કોરોના સ્થિર છે. શહેરના તમામ ઝોનમાં ટીમો બનાવી મોટા પ્રમાણમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની સાથે સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે.

શહેરના ભારે અવરજવર ધરાવતાં રોડ, મોલ, કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં ટોળે વળતાં લોકોને ભીડભાડ ન કરવાં અપીલ કરતાં તેમણે કહ્યું કે. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ અંગે માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ કડકપણે દંડનીય કાર્યવાહી કરાશે.

 

સુરતમાં કોરોના સંક્રમણને ખાળવા બેદરકારી દાખવ્યા વિના જાગૃત્ત નાગરિક તરીકે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

અજય તેમરે જણાવ્યું હતું કે લોકો ખાસ કરીને મજૂરોમાં માસ્ક લગાડવાનું પ્રમાણ બહુ ઓછું છે. તેથી માસ્ક લગાવવા ખાસ તકેદારી રાખવી જોઇએ. તેમણે કહ્યું કે ધંંધો રોજગાર ચાલુ રાખવા સાવધાની રાખવી પડશે. કારણ કે કોરોના હવે ગામોમાં પણ ફેલાવવા લાગ્યો છે. તેથી સરકારી ગાઇડલાઇનનું પાલન બહુ જરુરી છે

(8:24 pm IST)