Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

તંત્રને આપી કલીનચીટ

કેન્દ્રિય ટીમ ગુજરાતમાં: કોરોના વધવા માટે લોકો ઉપર દોષનો ટોપલો ઢોળ્યો

અમદાવાદ, તા.૨૧: ગુજરાતમાં કોરોનાની વકરી રહી રહેલી પરિસ્થિતિને કેન્દ્રએ ગંભીરતાથી લીધી છે. જેના પગલે કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. કેન્દ્રીય ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ઘતિ અને ડોકટરોની કામગીરીની ચકાસણી કરી હતી. બપોર બાદ રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આ ટીમ બેઠક કરીને ગુજરાતની કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનો રીપોર્ટ તૈયાર કરી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને સોંપાશે.

કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેકટર (NCDC) ડો. એસ.કે સિંદ્યના વડપણ હેઠળ ટીમ ગુજરાતમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવી પહોંચી છે. કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે.

કેન્દ્ર આરોગ્ય ટીમે  SVP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ડો. સુજીત કુમારે મીડિયાને બ્રીફ કરતાં જણાવ્યું હતું કે અધિકારીઓ સાથે બેઠક કરીશું અને બે દિવસ સુધી ગુજરાતમાં રહીશું. હજુ અમે વડોદરા અને અન્ય જિલ્લામાં સ્થિતિની પણ મુલાકાત લઇશું.

કેન્દ્રની ટીમે કહ્યું હતું કે દિવાળીમાં થયેલી લોકોની ભીડને કારણે કોરોના વકર્યો છે. તહેવારો દરમ્યાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ આવ્યું છે. વધતા જતાં સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ડો. સુજીત કુમારની આગેવાની હેઠળ તેમના સહિત ૩ ડોકટરની ટીમ ગુજરાત આવી છે. તેમની સાથે ડો. રામ મનોહર લોહિયા અને ગુજરાત કેડરના IAS અને અમદાવાદના પૂર્વ મ્યુનિ.કમિશ્નર ડી. થારા પણ મુલાકાતે છે.

(3:34 pm IST)