Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજય સરકારે MBBS બોન્ડેડ ડોકટરોને બે દિવસમાં હાજર થવા કર્યા આદેશ

રાજયમાં વિવિધ જિલ્લામાં ૯૨૫ MBBS બોન્ડેડ ડોકટરો છે

રાજકોટ,તા. ર૦ : ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યા છે અને અનેક દિવસો બાદ ૧૪૦૦થી વધુ કેસ ૨૪ કલાકમા નોંધાવા સાથે કોરોનાની સ્થિતિ સાથે અન્ય રોગોમા પણ દર્દીઓની સારવારને પહોંચી વળવા ડોકટરોની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.જેને પગલે રાજય સરકારે એમબીબીએસ બોન્ડેડ ડોકટરોને બે દિવસમાં હાજર થવા આદેશ કર્યો છે.

સરકારના પરિપત્ર મુજબ રાજયમાં સરકારી ક્ષેત્રમાં ઉપલબ્ધ ડોકટરો કોવિડની પરિસ્થિતિમાં છેલ્લા ૮ મહિનાથી સતત સેવાઓ આપી રહ્યા છે તેમજ સર્વેલન્સ અને સારવાર આપવા માટે કોવિડ તથા અન્ય બીમારીઓમાં મોટા પાયે સંક્રમણ હોઈ વધારે ડોકટરોની તાત્કાલીક જરૂરિયાત ઉભી થઈ છે.

ઉપરાંત હાલમાં સરકારી  દવાખાનાઓમાં દ્યણી જગ્યાઓ ખાલી પડી છે અને જેથી દર્દીઓને સારવારમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.  બોન્ડેડ ડોકટર્સ કે તજજ્ઞાો હાજર થયેલ નથી અને તેઓની સેવાઓ એપેડિમિક એકટ હેઠળ લેવી જરૂરી છે. જેથી એમબીબીએસ બોન્ડેડ ડોકટરોને તાત્કાલીક ફરજ  પર હાજર થવા આદેશ કરવામા આવે છે.

તમામ બોન્ડેડ ડોકટર્સને ફરજ પર અમદાવાદ મ્યુ.કમિશનર સમક્ષ બે દિવસમા હાજર થવા આદેશ કરવામા આવ્યો છે.જો એમબીબીએસ ડોકટરો સરકારના આ આદેશનું પાલન નહી કરે તો ગુજરાત એપેડમિક એકટ હેઠળ સંબંધિત કલેકટરોએ આ અંગેની કાર્યવાહી કરી એમબીબીએસ બોન્ડેડ ડોકટરોને મ્યુ.કમિશનર હસ્તક હાજર કરવાના રહેશે.

રાજય સરકાર દ્વારા  સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે પીજી બોન્ડેડ ડોકટર્સને એનએચએમ અંતર્ગત તજજ્ઞા તરીકે ૧૧ માસના કરારીય ધોરણે નિમણૂંક આપવામા આવે છે. પરંતુ અમુક બોન્ડેડ ડોકટર્સ હજુ સુધી ફરજ પર હાજર ન થયા હોવાનું સરકારના આરોગ્ય વિભાગને ધ્યાને આવતા આરોગ્ય કમિશન દ્વારા કડક આદેશ કરવામા આવ્યો છે.

આ વર્ષે ગ્રેજયુએટની પરીક્ષામાં પાસ થનારા બોન્ડેડ ડોકટોરોને  બોન્ડેડ સેવાનો લાભ આપી તેમનો હોસ્પિટલની સેવાઓમાં ઉપયોગ કરવામા આવેલ છે ત્યારે રાજયમાં અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં આવા ૯૨૫ એમબીબીએસ બોન્ડેડ ડોકટરો છે.

જેમાં અમદાવાદ જિલ્લામાં  ૫, રાજકોટમાં ૧૦, વડોદરામાં ૮, જામનગરમાં ૧૨, સુરતમાં ૧૯, ભાવનગર-પોરબંદર અને જુનાગઢમાં ૩-૩ ડોકટરોને નિમણૂંક અપાઈ છે. સૌથી વધુ દાહોદમાં ૨૫૩ તથા છોટા ઉદેપુરમાં ૧૬૮ તથા નર્મદામાં ૧૦૧ અને બનાસકાંઠા તથા વલસાડમાં ૩૩-૩૩ તેમજ કચ્છમાં ૪૯ ડોકટરોને સરકારી દવાખાનાઓમાં નિમણૂંક અપાઈ છે.

(3:36 pm IST)