Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમદાવાદ મનપાની ગેરકાયદે બાંધકામો સામે તવાઈ : ખાડિયા અને સરખેજમાં સંખ્યાબંધ બાંધકામોનો કડૂસલો બોલાવી દીધો

સરખેજમાં 18 યુનિટને નોટીસો બાદ 6 દુકાનો, એક ગોડાઉન, 11 રહેણાંકોને તોડી પાડવામાં આવ્યાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બાંધવામાં આવેલા ગેરકાયદે બાંધકામે સામે લાલા આંખ કરી છે. ત્યારે ખાડિયા અને સરખેજમાં BU પરમિશન વિનાના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.

ખાડિયામાં સરકીવાડની પોળ સારંગપુરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધીમાં 6778 ચો.ફૂ જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામને દુર કરવા માટે AMC તરફથી નોટીસ આપવામાં આવેલ અને ફરીવાર બાંધકામ ના થાય તે માટે સિલિંગ પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. તે છતાંય ત્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં 100 એકમોમાં બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. બીજી તરફ સરખેજમાં 18 યુનિટને નોટીસો આપવામાં આવી હતી. ત્યાર બાદ તેને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 6 દુકાનો, એક ગોડાઉન, 11 રહેણાંકોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

 

DCP ઝોન-7ના અધિકારી પ્રેમસુખ ડેલુએ AMC સાથે રહીને ગત 4 તારીખથી આવી ગેરકાયદે ઉભી કરાયેલી પ્રોપર્ટી સામે કાર્યવાહી કરવાનું શરુ કર્યું હતું. જેમાં 2004થી ભુમાફિયાઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોનો કબજો હતો. પોલીસે શહેરના કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાતા બકુખાન ઉર્ફે બક સૈયદની ગેરકાયદે ચાર દુકાનો તથા એક ઓફિસ તોડી પાડી છે. તે ઉપરાંત વહાબ ગેંગના મુખ્ય સુત્રધાર નઝીર વોરાની ગેરકાયદે 10થી 15 કરોડની પ્રોપર્ટી તોડી પાડી હતી. તેની સાથે કાળુ ગરદન તરીકે ઓળખાતા કુખ્યાતનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જુહાપુરાના કુખ્યાત નજીર વ્હોરાની કરોડોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા અને ગતરોજ સુલ્તાનના ખાસ એવા બકુખાનની ફતેહવાડીમાં આવેલ એક ઓફિસ અને ચાર દુકાનો તોડી પાડવામાં આવી હતી.

(9:43 pm IST)