Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોકેઇન અને મેથાએમ્ફેટામાઇનના જથ્થા સાથે કડોદરાથી નાઇઝીરિયન ઝડપાયો:સુરત જિલ્લા એસઓજીનો સપાટો

પકડાયેલા આરોપી તોચુકલુનો મોટો ભાઈ વોન્ટેડ આરોપી સેમ્યુઅલ અને કેવિન છેલ્લા એક વર્ષથી નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર કરે છે

સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોકેઇન અને મેથાએમ્ફેટામાઇન નામના ડ્રગ્સ સાથે એક નાઇઝીરિયન નાગરિકને ઝડપી પાડ્યો હતો. આ જથ્થો મુંબઈથી લાવ્યો હતો સુરત શહેરના અલથાણ વિસ્તારમાં પહોંચાડવાનો હતો. જથ્થાની કુલ કિંમત 3 લાખથી વધુ હોવાનું પોલીસે જણાવ્યું હ તું

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે કડોદરા કૈલાશ સી.એન.જી. પમ્પની સામે નેશનલ હાઇવે નંબર 48થી સુરત તરફ જતા નહેર વાળા રસ્તેથી એક નાઇઝીરિયન નાગરિક ગેરકાયદેસર રીતે માદક પદાર્થ કોકેઇન અને મેથાએમ્ફેટામાઇનનો જથ્થા સાથે સુરત તરફ જઈ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે નાઇજિરિયાના લાગોસ સ્ટેટ ખાતે અને હાલ મુંબઈના નાલાસોપારા સ્થિત નેહા એપાર્ટમેન્ટમાં રહેતા તોચુકલુ પોલ સન્ડે (35)ને ઝડપી પાડી તેની પાસેથી 34.09 ગ્રામ કોકેઇન કિંમત રૂ. 2 લાખ 72 હજાર 720 અને 3.09 ગ્રામ મેથાએમ્ફેટામાઇન કિંમત રૂ. 30 હજાર 900 તેમજ એક મોબાઈલ કિંમત રૂ. 2 હજાર મળી કુલ 3 લાખ 5 હજાર 620 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે માલ આપનાર સેમ્યુઅલ પોલ, કેવિન તેમજ એક અજાણ્યા સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વોન્ટેડ આરોપી સેમ્યુઅલ અને કેવિન છેલ્લા એક વર્ષથી નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર કરે છે. સેમ્યુઅલ પકડાયેલા આરોપી તોચુકલુનો મોટો ભાઈ છે અને સેમ્યુઅલે જ તેની ઓળખ કેવિન સાથે કરાવી હતી. આ જથ્થો કેવિન અને સેમ્યુઅલે જ તેને આપ્યો હતો અને સુરતના અલથાણ પહોંચી કેવિન ફોન પર જણાવે તે વ્યક્તિને જથ્થો આપવા જણાવ્યું હતું. પોલીસે નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટનસ એક્ટ 1985 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

(9:20 am IST)