Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ધો. ૧૨માં માસ પ્રમોશન : શિક્ષકો અને આચાર્યોને ગંભીર અસરો થવાનો ડર

વલસાડ કોલેજના પૂર્વ આચાર્યનો રદ થયેલી પરીક્ષા મુદ્દે રસપ્રદ સરવે : ૮૯.૩ ટકા લોકોએ કહ્યું કે, અન્ય વિકલ્પ પસંદ કરવાની જરૂર હતી

સુરત,તા. ૧૦ : રાજય સરકારે ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા રદ કર્યા બાદ હાલમાં શિક્ષણજગતમાં પરિણામ, વિદ્યાર્થીઓનું પારદર્શી પરિણામ મુદ્દે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. એવામાં વલસાડ કોલેજના પૂર્વ આચાર્યએ ધોરણ-૧રની પરીક્ષા રદ્ કરી માસ પ્રમોશન આપવાના નિર્ણય સંદર્ભે રસપ્રદ સરવે કર્યો છે. જેમાં શિક્ષકો અને આચાર્યોએ ધો. ૧રમાં માસ પ્રમોશનને કારણે શિક્ષણ ક્ષેત્રે ગંભીર અસરો થવાની ભીતિ વ્યકત કરી હતી. એટલું જ નહીં, ૮૯.૩ ટકા લોકોએ તો માસ પ્રમોશનની જગ્યાએ અન્ય વિકલ્પ પસંદ કરવાની જરૂર હોવાનો સૂર આલાપ્યો હતો.

વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય એવા ડો. જે.એમ.નાયકે થોડા દિવસ પહેલા જ ધો. ૧૦ની પરીક્ષા રદ કરવા મુદ્દે સરવે કર્યો હતો. જેમાં રસપ્રદ તારણો મળ્યા બાદ હવે ધો. ૧રની પરીક્ષા રદ કરવાના અને માસ પ્રમોશન આપવાના નિર્ણય સંદર્ભે સરવે હાથ ધર્યો હતો. તે માટે ૯ પ્રશ્નો સાથેની પ્રશ્નાવલી બનાવવામાં આવી હતી. ગૂગલ ફોર્મમાં પરિવર્તિત કરેલી માહિતી સંદર્ભે ૧૦૩ લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.

સરવેમાં ભાગ લેનારા ઉત્ત્।રદાતાઓમાં ૪૭.૬ ટકા શિક્ષકો, અધ્યાપકો, આચાર્યો, ૧૧.૯ ટકા વાલીઓ, ૬.૮ ટકા વિદ્યાર્થીઓ અને અન્ય ૩૪ ટકા લોકો સામેલ થયા હતા. પૂર્વ આચાર્ય ડો. જે.એમ.નાયકે જણાવ્યું હતું કે, સરવેમાં રસપ્રદ તારણો બહાર આવ્યા હતા. જે અંતર્ગત ૧૬.૫ ટકા લોકોએ ધો. ૧ રમાં માસ પ્રમોશનના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને ૮૩.૫ ટકાએ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૮૧.૬ ટકા લોકોએ આ નિર્ણય સ્વતંત્ર વિચારણા કરીને લીધો ન હોવાનું અને ૧૮.૪ ટકા લોકોએ નિર્ણય પુખ્ત વિચારણા કરીને લીધો હોવાનો મત આપ્યો હતો. ૮૯.૩ ટકા લોકોએ એવું માણ્યું હતું કે, ધો. ૧રમાં માસ પ્રમોશન આપવાની જગ્યાએ અન્ય વિકલ્પ પસંદ કરવાની જરૂર હતી. જયારે માત્ર ૧૦.૭ ટકા લોકોએ જ નિર્ણયને સમર્થન આપ્યું હતું.

લાંબાગાળાની અસર વેઠવા તેયાર રહેવું પડશે

વળી, શિક્ષકો. અધ્યાપકોએ આ નિર્ણયથી શિક્ષણ વ્યવસ્થા પર પ્રતિકૂળ અને ગંભીર અસરો પડશે અને તેના ગંભીર પરિણામો માટે ભવિષ્યમાં તૈયાર રહેવુ પડશે એવો ડર પણ વ્યકત કર્યો હતો. ધો. ૧૨ જેવા મહત્ત્વના વર્ષમાં માસ પ્રમોશનને કારણે લાંબાગાળાની સમસ્યા ઊભી થશે. ખાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓ માનસિક રીતે મુંઝવણમાં મુકાઇ ગયા છે.

(10:23 am IST)