Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

આરોગ્ય સાથે ચેડાં : રાજ્યમાંથી કોરોનાની સારવાર કરતાં 173 નકલી ડોક્ટરો પકડાયા

મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા મોટાભાગના નકલી ડોકટરો માંડ 10 ધોરણ સુધી ભણેલા હતા.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં આરોગ્યની સાથે ચેડાં કરીને પ્રેક્ટિસ કરતાં 173 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી હોસ્પિટલો નથી, જેથી ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારને નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યું હતું.

કોરોનાને કારણે અનેક ડોક્ટરોએ સાવચેતીરૂપે ઓપીડી બંધ કરી દેતાં આવા લેભાગુ ડોક્ટરો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસી ગયા હતા. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 173 નકલી ડોક્ટરો ઝડપાયા છે.

ડીજીપીના આદેશને પગલે છેલ્લા બે મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં ડોક્ટરની ડિગ્રી કે પ્રેક્ટિસનો પરવાનો ન હોવા છતાં ગામડાંના લોકોને કોરોનાની સારવારના નામે મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. અનેક જગ્યાએ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરી સ્વાસ્થ્યને જોખમમાં મૂકવામાં આવતું હોવાનું ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાન પર આવ્યું હતું.

ડીજીપીના આદેશ બાદ એસઓજીની ટીમે છેલ્લાં દોઢ-બે વર્ષમાં દવાખાનાં શરૂ કરનારા બે હજાર ડોક્ટરોની તપાસ કરી હતી, જેમાંથી 169 નકલી દવાખાનાં શરૂ કરી દેનારા 173 નકલી ડોક્ટરો પકડાયા હતા, જેમાં ચોંકાવનારી માહિતી તો એ હતી કે આ નકલી ડોક્ટરો માંડ 10 ધોરણ સુધી ભણેલા હતા.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા નકલી ડોકટર ની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી ડોકટર બનીને ઇલાજના નામે દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં પણ અનેક નકલી ડોકટર ઝડપાયા છે. કુશલસિંહ રાઠોડ નામનો આ નકલી ડોકટર સાબરમતીમાં મોટેરા સ્ટેડિયમ નજીક દવાખાનું ખોલીને લોકોની સારવાર કરતો હતો.

(1:09 pm IST)