Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે જે તે સમયે નિર્ણય લેવાશેઃ શિક્ષણ ફી બાબતે સરકાર જરૂર પડે નિર્ણય લેશેઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર: ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું છે. ત્યારે લોકાર્પણ બાદ તેમણે જણાવ્યું કે, આજે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગમા આમુલ પરીવર્તન કર્યુ છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તેના માટે પ્રયત્ન કર્યો છે. રાજ્યની 54000 શાળાઓમા સવા કરોડ વિદ્યાર્થીઓ પર ધ્યાન રખાશે. આવનારા દિવસોમાં શિક્ષણ દ્વારા દરેક શ્રેત્રમા આગળ વધીશુ. દરેકની હાજરી, પરીક્ષા વગેરેનુ સંપૂર્ણ મોનિટરીંગ થશે. આવું ભારતનુ પહેલુ સેન્ટર બનાવાશે.

તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણ વિભાગમાં આમુલ પરિવર્તન ટેકનોલોજીના માધ્યમથી કર્યું છે. આ સેન્ટરને 54000 શાળાઓ સાથે જોડી દેવામાં આવી છે. આવુ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

તો રથયાત્રા યોજાશે કે નહિ તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે, કેસ ઘટ્યા છે એનો અર્થ એવો નથી કે કોરોના ગયો છે. ગુજરાત એક એવુ રાજ્ય બન્યુ છે કે જેણે સંપૂર્ણ લોકડાઉન કર્યુ નથી. રથયાત્રા માટે જે તે સમયે નિર્ણય લેવામાં આવશે. છૂટ આપીએ એનો મતલબ નથી કે નિશ્ચિત થઈને બહાર નીકળીએ. જરૂરી હોય તો જ બહાર નીકળવું. કામ વગર ક્યાંય જવુ નહિ. ત્રીજી વેવ માટે તજજ્ઞો પણ સાવચેત રહેવાનું કહી રહ્યાં છે.

તો ફીના મુદ્દે તેમણે કહ્યું કે, શિક્ષણ ફી બાબતે સરકાર દ્વારા જરૂર પડે નિર્ણય લેવામાં આવશે. શાળાના સંચાલકો‌ દ્વારા 75 ટકા ફી લીધી છે,‌ તો કેવી રીતે તેમને ટેક્સમાં માફી આપી શકાય. જો શાળાઓએ ફી ન લીધી હોય તો જ તેમને ટેક્સ માફી માટે વિચારી શકાય. કોરોના દરમિયાન હોટલ સંપૂર્ણ બંધ હતી. એટલે તેમને ટેક્સમાં છુટ આપી છે. હજુ શિક્ષણ સત્રની શરૂઆત થઈ છે. આ સત્ર કેવું જશે એ કહેવું મુશ્કેલ છે. સ્થિતિ કેવી રહેશે તે ખબર નથી. ભવિષ્યમાં સમય પ્રમાણે ફી બાબતે નિર્ણય કરીશું.

(4:40 pm IST)