Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વીજ તારમાં ફસાયેલા કબૂતરને બચાવવા થાંભલા પર ચડેલા જીવદયાપ્રેમી યુવકનું કરંટ લાગતા મોત

પાઈપનો ભાગ વાયર સાથે સંપર્કમાં આવતા કરંટ લાગ્યો : જમીન પર પટકાતા દિલીપનું કરૂણમોત :અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં અરેરાટી

મોડાસા:અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં કરંટ લાગવાથી એક જીવદયા પ્રેમી યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ યુવક વીજળીના તારમાં ફસાયેલા એક કબૂતરને બચાવવા માટે વીજળીના થાંભલા પર ચડ્યો હતો. જો કે આ દરમિયાન કરંટ લાગવાથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. Bird Rescue 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, માલપુર ગામમાં રહેતો 35 વર્ષનો દિલીપ બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યાં તેની નજર ઉપરથી પસાર થઈ રહેલા વીજળીના તારમાં ફસાયેલા કબૂતર પર પડી હતી. વીજ તારમાં ફસાયેલા કબૂતરને બચાવવા માટે દિલીપ આગળ આવ્યો અને લાકડી ના મળતા તેણે લોખંડની પાઈપની આગળ લાકડીનો ટૂકડો બાંધીને વીજ થાંભલા ઉપર ચડી ગયો હતો.

 

દિલીપ લોખંડની પાઈપના આગળના છેડે લાકડાનો ટૂકડો બાધીને તે ફસાયેલા કબૂતરને નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન પાઈપનો ભાગ વાયર સાથે સંપર્કમાં આવતા કરંટનો ઝાટકો લાગ્યો હતો. જે બાદ દિલીપ ઊંધા માથે જમીન પર પટકાયો અને ઘટના સ્થળે જ મોતને ભેટ્યો.

(10:00 pm IST)