Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગાંધીનગરમાં કમોસમી વરસાદથી નાગરિકોને હાલાકી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદ બાદ શહેરના અલગ અલગ સેક્ટરોમાં આડેધડ ખોદકામના કારણે વરસાદી પાણી ભરાઈ જવાની સાથે કાદવ કીચડ થઈ ગયો હતો. સ્થિતિમાં વિપક્ષના નેતાએ શહેરના નાગરિકો રામ ભરોસે હોવાનો આક્ષેપ કરી સ્માર્ટ સિટીની પોલ ઉગાડી પાડી હતી. આગામી દિવસમાં મામલે નાગરિકોને સાથે રાખી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગાંધીનગરમાં ગઈકાલે ઓચિંતા પડેલા વરસાદથી પાણી અને ગટર માટે ખોદાયેલી લાઈનમાં પાણી ભરાઈ જવાને કારણે નાગરિકોની હાલત કફોડી બની ગઈ હતી. સેક્ટરોમાં કાદવ કીચડ થઈ ગયો હતો. જેના પગલે વિપક્ષના નેતા અંકિત બારોટે જણાવ્યું હતું કે,ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા આડે ધડ ખોદકામના લીધે ગાંધીનગર શહેરની હાલત ગામડા કરતા પણ ખરાબ થઈ રહી છે. ગાંધીનગર શહેરના નાગરીકો હાલાકી ભોગવી રહ્યા છે. ઘરની બહાર પગ મુકવા માટે ૧૦૦ વાર વિચાર કરવો પડે તેવી પરીસ્થિતી છે. ઠેર-ઠેર મોટા ભુવા પડયા છે. લોકોની ગાડી અને માણસો ખાડામાં પડવાના અઢળક કિસ્સા બન્યા છે. તેમ છતા મહાનગરપાલિકા સત્તાધીશોના પેટનું પાણી હલતુ નથી. વારંવાર રજુઆત કરતા નાગરીકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્માર્ટસીટીના બણગા કુકતા સત્તાધીશો કામ પણ યોગ્ય રીતે કરાવી શકતા નથી. કોઈપણ પ્રકારનું સંકલન મહાનગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની વચ્ચે રહ્યુ નથી. પદાધિકારી માત્ર એ.સી ઓફીસોમાં બેસી આરામ ફરમાવી રહ્યા છે. ગાંધીનગરની પ્રજા નોંધારી બની ગઈ છે. અધિકારીઓને માત્ર ભ્રષ્ટાચાર માં રસ છે. આવા ભષ્ટ અધિકારીઓ પર પદાધિકારીઓનો કંન્ટ્રોલ રહ્યો નથી જેનું પરીણામ ગાંધીનગરના વસાહતીઓને ભોગવવાનો વારો આવ્યો છે.

(6:40 pm IST)