Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

હિટ એન્ડ રન:ખોરજ નજીક રસ્તો ઓળંગતા યુવાનનું મૃત્યુ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સરખેજ હાઇવે ઉપર ખોરજ પાસે ચાલતા જઈ રહેલા અને રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યો વાહન ચાલક હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ગવાયેલા યુવાનને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતના બનાવોની સાથે હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. અકસ્માત સર્જીને ફરાર થઈ જતા વાહન ચાલકો ઘાયલ લોકોની સંભાળ લેવા માટે પણ ઊભા રહેતા નથી ત્યારે શહેર નજીક સરખેજ હાઇવે ઉપર ખોરજ પાસે હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં યુવાનનું મોત થયું છે. ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે મૂળ પશ્ચિમ બંગાળમાં રહેતા અને છેલ્લા ત્રણ મહિનાથી અડાલજ ખાતે આવેલી હોટલમાં કામ કરતા બે ભાઈ અરૃપ બીપુલ બીસ્વાસ અને તેનો નાનો ભાઈ સ્વરૃપ ગત શનિવારે રાત્રિના સમયે હોટલેથી રૃમ ઉપર ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન હોટલમાં કામ કરતા બે યુવાનો સાયકલ લઈને તેમને મળ્યા હતા અને બેસી જવા કહ્યું હતું. જોકે સ્વરૃપને કામ હોવાથી તેણે સાયકલ ઉપર બેસવાની ના પાડી હતી. જ્યારે અરૃપ સાયકલ ઉપર બેસી ગયો હતો. દરમિયાન સ્વરૃપ ખોરજ પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન ગાંધીનગરથી અમદાવાદ જઈ રહેલી કારે તેને અડફેટે લીધો હતો. શરીરે ગંભીર ઇજાઓને કારણે તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો અને જ્યાં તેની તબિયત લથડી જતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માતની ઘટના અંગે તેના ભાઈની ફરિયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે મથામાં શરૃ કરી છે.

(6:45 pm IST)