Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

બનાસકાંઠાના નાના કાપરા ગામે રમેણમાં ભુવા ધૂણ્યાં

ભુવાજી સહિત ૫ સામે ફરિયાદ : કોરોના મહામારી હોવા છતાં પણ આમંત્રણ પત્રિકાઓ છપાવી લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું

બનાસકાંઠા,તા.૨૦ : કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠામાં નાના કાપરા ગામે બે દિવસ અગાઉ જાહેરમાં રમેણનું આયોજન કરી ભુવા ધુણવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળા એકત્ર થતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા હોવાના વીડિયો વાયરલ થતાં રમેણના આયોજક, ભુવાજી, મંડપ અને સાઉન્ડવાળા સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત અત્યારે કોરોના વાયરસ ના ભરડામાં છે અને રોજેરોજ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવામાં લાખણી પાસે આવેલા નાના કાપરા ગામે બે દિવસ અગાઉ વિહત માતાજીના મંદિરે રમેણ નું આયોજન કરાયું હતું.

કોરોના મહામારી હોવા છતાં પણ આમંત્રણ પત્રિકાઓ છપાવી લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોડી રાત્રે રમેણમાં ભુવા ઘુણતા લોકોના ટોળા એકત્ર થયા હતા. કાર્યક્રમમાં અનેક લોકોએ માસ્ક પણ પહેર્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું હતું. જે રમેણમાં ભુવા ધૂણતા હોવાના વીડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રમેણ ના આયોજક સહિત ભુવાજી , મંડપ અને સાઉન્ડવાળા સહિત કુલ લોકો સામે લાખણી પોલીસ મથકે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમીક ડીસીઝ એકટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓના નામઃ . પીરાભાઈ મોહનભાઇ રાઠોડ, આયોજક, . વાલાભાઈ સેધાભાઈ રાઠોડ, ભુવાજી, . વિનોદભાઈ દાનાભાઈ રબારી, ભુવાજી, . દિનેશભાઇ ગોવાભાઈ પંચાલ, સાઉન્ડવાળા, .કમાભાઈ રાવતાજી ઠાકોર, મંડપવાળા.

(8:58 pm IST)