Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી પણ ચિત્ત શુદ્ધિ દ્વારા ઇશ્વર સાથે જોડાણ કરાવે છે. : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

શરીર સુદ્રઢ અને સ્વસ્થ હશે તો દરેક કામ સવિશેષ જાગૃતિ અને ચોકકસાઈથી કરી શકાશે.: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી : પતંજલિ યોગ સંસ્થાના હરેશભાઇ સોનીના માર્ગદર્શન સાથે એસજીવીપીની ઇન્ટરનેશનલ હોસ્ટેલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલના ૯૦૦ વિદ્યાર્થીઓએ સમૂહ યોગાસનો કરી યોગદિન ઉજવ્યો

અમદાવાદ તા. ૨૧ યોગ એ ભારતની શાન છે, તેને વિશ્વમાં અગ્રેસર કક્ષાએ લઈ જવામાં મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો પ્રશંસનીય છે.

        ખાસ કરીને ભારતના આઝાદીના અમૃત મહોત્સવ પર્વે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવાઇ રહ્યો છે ત્યારે વૈશ્વિક સ્તરે ભારતીય પરંપરાના પ્રતિકરુપ યોગાસનોનું હાલના સમયમાં સમગ્ર માનવ સમાજ માટે મહત્વ દર્શાવવા માટે તા.૨૧ જુને આંતરરાષ્ટ્રિય યોગ દિવસે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  એસજીવીપી ઇન્ટરનેશનલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શન સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલ ના ૯૦૦ વિદ્યાર્થીઓએ એસજીવીપીના વિશાલ ફુટબોલ મેદાનમાં જુદા જુદા યોગાસનો કરી યોગદિન ઉજવ્યો હતો.

આ પ્રસંગે વિદેશયાત્રા કરી રહેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલીફોન દ્વારા યોગમાં  જોડાયેલ ત્રણેય સંસ્થાના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે સામાન્ય રીતે લોકો પોતાના આરોગ્ય અને શારીરિક સુખાકારી માટે યોગ કરે છે પણ ખરેખર યોગ તેથી વિશેષ છે. યોગ તો વ્યક્તિને ભગવાન સાથે જોડે છે. યોગથી શુદ્ધ થયેલ ચિત્તથી ભકિતમાં હકારાત્મક શુભ સ્પંદનો જાગે છે. યોગ કરવાથી આત્મવિશ્વાસ પેદા થાય છે. શારીરિક કરતાં પણ માનસિક સ્તરે યોગના ઘણા લાભો હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વિશ્વમાં સ્વીકૃતિ પામ્યા છે.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલકે શરીરમાદ્યમ્ ખલુ ધર્મ સાધનમ્ શરીર સુદ્રઢ અને સ્વસ્થ હશે તો દરેક કામ સવિશેષ જાગૃતિ અને ચોકકસાઈથી કરી શકાશે

આ પ્રસંગે પતંજલિ યોગ સંસ્થા હરિદ્વારના હરેશભાઇ સોનીએ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સાથે યોગાસન કરાવ્યા હતા અને યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું હતું.

સમૂહ યોગાસન સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણીના આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે જાલમસિંહ, ઘનશ્યામભાઇ સુવા, સૂર્યકાંતભાઇ પટેલ અને અર્જુનાચાર્યે સંભાળી હતી.   

 

(11:59 am IST)