Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

૨૦૧૭માં ૩૧ ઉમેદવારો ૫૦૦૦થી ઓછા મતે જીતેલા

રાસ્‍તે મેં દેખા એક નેતા જૈસા આદમી એક ગરીબ કે પૈર પર પડા થા, મુજે આヘર્ય હુઆ, પતા ચલા વહ ચૂનાવમેં ખડા થા... :૫૦૦૦થી ઓછી સરસાઇવાળા વિજેતાઓમાં ૧૫ કોંગીના ૧૪ ભાજપના અને ૨ અપક્ષો:સૌરાષ્‍ટ્રમાં જાવેદ પીરઝાદા, બ્રિજેશ મેરજા, નૌષાદ સોલંકી, લાખાભાઇ સાગઠિયા, ચિરાગ કાલરિયા, બાબુભાઇ બોખીરિયા, પૂંજાભાઇ વંશ, સૌરભ પટેલ વગેરે ખૂબ કપરા ચઢાણ પછી ધારાસભ્‍ય બની શકેલા : કોંગીના કેટલાક ધારાસભ્‍યો રાજીનામા આપીને હાલ ભાજપના ધારાસભ્‍ય છે

રાજકોટ તા. ૨૧ : રાજ્‍યમાં આવતા નવેમ્‍બર - ડિસેમ્‍બરમાં ધારાસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં સતત ૬ વખતથી ભાજપને સત્તા મળે છે. આ વખતે ૨૦૧૭ કરતા ઘણા સમીકરણો અલગ છે. છેલ્લી ૨૦૧૭ની ચૂંટણીમાં રાજ્‍યની ૧૮૨ પૈકી ૩૧ બેઠકો પર હાર-જીત ૫૦૦૦થી ઓછા મતની અંદર થયેલ. સૌરાષ્‍ટ્રમાં મોરબી, જામજોધપુર, દસાળા, રાજકોટ ગ્રામ્‍ય, ઉના વગેરે વિસ્‍તારોના પરિણામો ઓછી સરસાઇવાળા હતા. તે વખતે રાજ્‍યમાં ભાજપને ૯૯, કોંગ્રેસને ૭૭, બીટીપીને ૨, એનસીપીને ૧ અને અપક્ષોને ૩ બેઠક મળી હતી.

જે ૩૧ બેઠકો ૫૦૦૦ ઓછા મતે જીતી શકાયેલ તેમાં ૧૫ કોંગ્રેસના અને ૧૪ ભાજપના ધારાસભ્‍યોનો સમાવેશ થાય છે. બે અપક્ષ ઉમેદવારો ૫૦૦૦ની અંદર વિજેતા થયા હતા. ચૂંટણીમાં ઉમેદવારની જ્ઞાતિ, વ્‍યકિતગત તાકાત, ગોઠવણ, હરીફ ઉમેદવારની વ્‍યૂહરચના, મતદાનનું પ્રમાણ વિગેરે બાબતો ભાગ ભજવે છે. દરેક ચૂંટણી વખતે સમીકરણો અલગ હોય છે. એક-એક મત કિંમતી હોય છે. ભૂતકાળમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પણ માત્ર ૧૭ મતે જીત થયાના દાખલા છે.

૨૦૧૭માં ભાજપની સામે ચૂંટણી લડેલા તેવા કેટલાક વિજેતા ઉમેદવારો અધવચ્‍ચે જ રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા અને ભાજપના ઉમેદવાર તરીકે જીતીને ફરી ધારાસભ્‍ય બન્‍યા છે. મોરબીના બ્રિજેશ મેરજા અને કપરાડાના જીતુ ચૌધરી તેનું ઉદાહરણ છે. બંને હાલ ભાજપ સરકારમાં રાજ્‍ય કક્ષાના મંત્રી છે. દરેક ચૂંટણી વખતે સ્‍થાનિક અને રાજ્‍યના સમીકરણો અલગ હોવાથી બીજી ચૂંટણીમાં પરિણામ અગાઉની ચૂંટણી જેવું જ આવવાનું નક્કી હોતું નથી. ૨૦૧૭ની ચૂંટણી અનેક રીતે રસપ્રદ બનશે. આ વખતે ભાજપ - કોંગ્રેસ જેવા સીધા પ્રતિસ્‍પર્ધી ઉપરાંત ત્રીજા પરિબળ તરીકે આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્‍યું છે. અન્‍ય પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં આવશે.

એક નઝર ઇધર ભી

શેરીમાં કોઇ બૂમ પાડી રહ્યું હતું ‘૪૦૦ રૂપિયામાં કાયમ બેઠા-બેઠા ખાવ.'

બહાર નીકળીને જોયું તો બૂમ પાડવાવાળો માણસ ‘ખુરશી' વેંચી રહ્યો હતો !

ચૂંટણી નજીક છે, આવી ‘બૂમો પાડવાવાળાને ઓળખજો....'(૨૧.૪૨)

ભાજપ કરતા કોંગીને ૨૨.૮૫ લાખ મત ઓછા મળેલા : ‘નોટા'ને ૫.૫૧ લાખ

રાજકોટ : વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ અને કોંગીને ૭૭ બેઠકો મળેલ. રાજ્‍યમાં ભાજપને કુલ ૧,૪૭,૨૪,૪૨૭ મત અને કોંગ્રેસને ૧,૨૪,૩૮,૯૩૭ મત મળેલા. બંને વચ્‍ચે ૨૨,૮૫,૪૯૦ મતનો તફાવત રહ્યો હતો. ભાજપને કુલ મતદાનના ૪૯.૧ ટકા અને કોંગીને ૪૧.૪ ટકા મત મળ્‍યા હતા. ૫,૫૧,૬૧૫ મતદારોને કોઇ ઉમેદવાર પસંદ ન હોવાથી ‘નોટા'ને મત આપ્‍યા હતા. તે વખતે અપક્ષ ઉમેદવારોએ ૧૨,૯૦,૨૭૮ મત મેળવેલા. ૩ અપક્ષો વિજેતા થયા હતા. બે બેઠકો બી.ટી.પી.ને અને ૧ બેઠક એન.સી.પી.ને મળી હતી.

(3:46 pm IST)