Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

આણંદ નજીક ચાવડાપુરામાં રેલવેમાં નોકરી કરતા ભાડુઆતના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 97 હજારની તસ્કરી કરી

આણંદ : આણંદ પાસેના ચાવડાપુરા ખાતે રહેતા અને રેલવેમાં નોકરી કરતા એક ભાડુઆતના મકાનને શનિવાર રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. વીજળી ડૂલ થઈ જવાના કારણે મકાનનો દરવાજો ખુલ્લો રાખી સુઈ ગયેલ પરિવારના મકાનમાંથી અજાણ્યા શખ્સો સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ્લે રૂા. ૯૭ હજાર ઉપરાંતની મતા ચોરી કરી લઈ ગયા હતા.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ પાસેના જીટોડિયાના ચાવડાપુરા ખાતે આવેલ બેરીસ એવન્યુ ખાતે રહેતા હિતેષભાઈ પુનમભાઈ વણકર વડોદરા ખાતે રેલવેમાં ફરજ બજાવે છે. હાલમાં તેઓ મણકાની તકલીફ હોઈ ઘરે આરામમાં છે. તેઓ આ સ્થળે ભાડાના મકાનમાં રહે છે. ગત શનિવારના રોજ હિતેષભાઈ સહિતનો પરિવાર જમી પરવારી સૂઈ ગયો હતો. દરમ્યાન રાત્રીના સુમારે વીજળી ડુલ થઈ જતા તેઓએ મકાનનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. મોડી રાત્રિના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ તેઓના મકાનમાં પ્રવેશ કરી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂ.૨૦૦૦ મળી કુલ્લે રૂા. ૯૭,૫૦૦ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. બીજા દિવસે સવારે પત્ની મીનાબેન ઉઠયા હતા અને તેઓએ બેગમાં તપાસ કરતા તેમાં મુકેલ સોના-ચાંદીની વસ્તુઓ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. 

જેથી મકાનમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડતા મીનાબેન વણકરે આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:49 pm IST)