Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

અમદાવાદના એલિસબ્રિજમાં હોસ્પિટલના કર્મચારી પાસેથી 12 લાખની લૂંટ :બાઈક પર આવેલ બે શખ્સો લૂંટ કરી ફરાર

રસ્તામાં એક્ટિવા સાથે બાઈક અથડાવી ઝઘડો કર્યો હતો અને તેની પાસે રહેલી રૂ.12 લાખ ભરેલી બેગની લૂંટ

અમદાવાદ: શહેરમાં એક આંગડિયા પેઢીમાંથી હોસ્પિટલનો કર્મચારી પૈસા લઈને નીકળ્યો હતો. જોકે રસ્તામાં તેના એક્ટિવા સાથે બાઈક અથડાવી ઝઘડો કર્યો હતો અને તેની પાસે રહેલી રૂ.12 લાખ ભરેલી બેગની લૂંટ કરીને ફરારથી ગયા હતા. એલિસબ્રિજમાં હોસ્પિટલના કર્મચારી પાસેથી રૂ 12 લાખની લૂંટ થવાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. આ યુવાન એક્ટિવા લઈને જતો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો લૂંટ કરીને થયા ફરાર થઈ ગયા હતા. ઓઢવમાં 50 લાખની લૂંટ બાદ વધુ એક લૂંટની ઘટનાથી સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. રથયાત્રાની સુરક્ષા વચ્ચે પણ લૂંટારા બેફામ બન્યા હોવાથી પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.

અમદાવાદ શહેરના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલનો કર્મચારી નવરંગપુરા ખાતેની એક આંગડિયા પેઢીમાંથી રૂપિયા 12 લાખ 94 હજાર રોકડા લઈને પરત આવી રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહનચાલકોએ તેની સાથે અકસ્માત કરી અને તકરાર કરી હતી. આ સમય દરમ્યાન અન્ય એક બાઇક પર સવાર બે લોકોએ હોસ્પિટલના કર્મચારીના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઇ ગયા હતા. તેમણે આ બાબતે હોસ્પિટલ અને પોલીસને જાણ કરી હતી. એલિસબ્રિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થલે પહોંચી ગઈ હતી અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. લૂંટ બાદ ફરાર થઇ ગયેલા લૂંટારાની બાઈક CCTV માં કેદ થઈ છે.

લૂંટનો ભોગ બનેલા ગાંધીનગરના ધર્મેન્દ્રભાઈ આઇકોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે, જે સી જી રોડ પર આવેલી આર. કે. આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળ્યા ત્યારે બાઈક પર આવેલા લૂંટારાઓએ રેકી કરીને અકસ્માતના બહાને લૂંટને અજામ આપ્યો હતો. એલિસબ્રિજ વિસ્તારમાં બનેલી લૂંટના પગલે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

ઓઢવમાં 50 લાખની લૂંટની હજુ સુધી કોઈ કડી પોલીસને મળી નથી. ત્યારે એલિસબ્રિજમાં 12 લાખની લૂંટ  થવાથી લૂંટારાઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ બની છે. ત્યારે હવે લૂંટની સતત વધી રહેલી ઘટનાઓને જોતા અમદાવાદમાં સલામતીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.

(10:34 pm IST)