Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વડોદરામાં આર્થિક સંકડામણમાં ભાઈએ બહેનને છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા

માતાની ફરિયાદને આધારે પોલીસે હુમલાખોર ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો:બહેન સારવાર હેઠળ

વડોદરામાં બહેનને છરીના સંખ્યાબંધ ઘા મારતો ભાઈનો વીડિયો સામે આવ્યો છે. વડોદરાના ખટંબામાં રહેતા પરિવારમાં આ બનાવ બન્યો છે. 18 જૂને સાંજે બનેલા બનાવનો વીડિયો સામે આવ્યો છે. 24 વર્ષીય હુમલાખોર ભાઈ ફોરેન્સિકના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે જ્યારે 21 વર્ષીય બહેન બીફાર્મનો અભ્યાસ કરે છે. આર્થિક સંકડામણને કારણે તણાવમાં રહેતા ભાઈએ કૃત્ય કર્યુ હોવાનું પ્રાથમિક કારણ દર્શાવાયું છે. માતાની ફરિયાદને આધારે પોલીસે હુમલાખોર ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જ્યારે બહેન સારવાર હેઠળ છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખટંબા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા એલેક્સ અબ્રાહમ મલઇક થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે. તેમને સંતાનમાં બેન નામનો 24 વર્ષિય દીકરો છે જે ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને બેટ્ટી નામની 21 વર્ષિય દીકરી છે, જે બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વરણામા પોલીસ મથકમાં માતાએ હુમલાખોર દીકરા સામે ફરિયાદ નોંધાવી છે.

માતાની ફરિયાદ અનુસાર, 18 જૂને સાંજના 4 વાગ્યે તેમનો દીકરો બેન આર્થિક સંકળામણને કારણે ગુસ્સામાં આવીને માતા સામે જોરથી બોલવા લાગ્યો હતો. દીકરો નાણાકીય અછતના કારણે તણાવમાં રહેતો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તે ન માનતાં દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં દીકરી ઘરે આવી હતી અને ઘરની બહાર બેઠેલા તેના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવવાની કોશિશ કરી હતી.

જોકે ભાઈ પર ખૂન સવાર હોય તેમ બહેન ઉપર ગુસ્સો કરી તેના વાળ પકડી જમીન પર પાડી દીધી હતી અને પોતાની પાસે રાખેલા છરા વડે તેના પેટ અને પગમાં ઉપરાઉપરી ઘા મારી દેતાં બહેન ચીસો પાડવા લાગી હતી. દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેને પણ મારવાની કોશિશ કરી હતી. આડોશ પાડોશમાં રહેતાં લોકોએ ચિસો પાડી યુવકને રોકવાની કોશિશ કરતાં તેણે લોકો સામે બિભત્સ ઇશારા કર્યા હતા અને જમીન પર પડેલી બહેનને છરીનો વધુ એક ઘા મારી દીધો હતો. ઘરની બહાર પડેલું ડસ્ટબીન મારીને ઘરની બારીનો કાચ પણ તોડી નાખ્યો હતો. જોકે પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યાં હતાં. માતાની ફરિયાદના આધારે વરણામા પોલીસે હુમલાખોર દીકરા બેન એલેક્સ મલઇક સામે આઈપીસી 323 અને 326 મુજબ ગુનો દાખલ કર્યો છે.

(12:23 am IST)