Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સ્ટેટ GSTની ફ્લાઈંગ સ્કવોડનું અમદાવાદ રિંગરોડ પર ઓચિંતુ ચેકીંગ : 7 ખાનગી ટ્રાવેલ્સ કંપની કબ્જે લેવાઇ

ઇ-વે બિલ તેમજ પાકા બિલ વિનાનો મોટો જથ્થો એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં લાવવા-લઈ જવામાં આવતો હોવાનું ખુલ્યું : વિદેશી દારૂની 3 પેટી પણ મળી

અમદાવાદ : સ્ટેટ GST વિભાગ દ્વારા બોગસ બીલિંગ કરનાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી બાદ હવે સ્ટેટ GST ની ફ્લાઈંગ સ્ક્વોડ પણ એક્શનમાં આવી છે. હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સમાં ઇ-વે બિલ તેમજ પાકા બિલ વિનાનો મોટા પ્રમાણમાં માલ ટ્રાન્સફર કરવામાં આવતો હોવાની બાતમી આધારે SGST ની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા અમદાવાદ રિંગરોડ પર ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદ રિંગરોડ પર કરવામાં આવેલા ચેકીંગમાં અમદાવાદની 7 ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા ઇ-વે બિલ તેમજ પાકા બિલ વિનાનો મોટો જથ્થો એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં લાવવા-લઈ જવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આવી 7 ટ્રાવેલ્સને SGST દ્વારા કબજે લેવામાં આવી હતી.

આ 7 ટ્રાવેલ્સ ઉપરાંત મુંબઈથી અમદાવાદ આવતી H. K ટ્રાવેલ્સમાં ઇ-વે બિલ વિનાના માલ સિવાય વિદેશી દારૂની 3 પેટી પણ મળી આવી હતી.H. K ટ્રાવેલ્સમાં આ દારૂના જથ્થાને અન્ય માલ તરીકે દર્શાવીને અમદાવાદમાં લાવવામાં આવતો હતો, જેને લઈને સ્ટેટ GST વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા રામોલ પોલીસની મદદ માંગવામાં આવી હતી

આ સાત ખાનગી ટ્રાવેલ્સ કંપની કબ્જે કરાઇ છે જેમાં H. K ટ્રાવેલ્સ,પંજાબ ટ્રાવેલ્સ,સંગમ ટ્રાવેલ્સ,પ્રીતિ ટ્રાવેલ્સ,પવન ટ્રાવેલ્સ,સાવરિયા ટ્રાવેલ્સ અને ગ્રીન ગુજરાત ટ્રાવેલ્સનો સમાવેશ થાય છે

આંતર રાજ્યમાં કોઈપણ પણ પ્રકારના માલ-સામાનનું હેરફેર કરવા માટે ઇ-વે બિલ જનરેટ કરેલું હોવું જરૂરી છે. જો આવા માલ-સામાન ના હેરફેર માટે ઇ-વે બિલ જનરેટ ન કરાયું હોય તો માલ-સામાન મોકલનાર તેમજ ઇ-વે બિલ વિનાના માલ-સામાન નું પરિવહન કરનાર વાહન પણ જપ્ત કરવામાં આવે છે જેને લઈને SGST ની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગેરકાયદેસર રીતે માલસામાન નું પરિવહન કરનારી 7 ખાનગી ટ્રાવેલ્સ કબજે લેવામાં આવી છે.

(9:27 pm IST)