Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

કોંગ્રેસ ગુજરાતની જનતાની માફી માંગે : જનતાને મૂર્ખ અને પોલીસને ભાજપના પીઠ્ઠુ કહી ઘોર અપમાન કર્યું : ભાજપ

ગુજરાતની સમજુ, શિક્ષિત અને સંસ્કારી જનતાને જાહેર મંચ પરથી મૂર્ખા કહેવાની કોંગ્રેસના નેતાઓની હલકી માનસિકતા દર્શાવે છે : ડો. ભરત ડાંગર

અમદાવાદ : પ્રદેશ ભાજપના સહપ્રવકતા ડો. ભરત ડાંગરે જણાવ્યું છે કે, કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરનાર અને ભાજપને મત આપનાર ગુજરાતની જનતાને મૂર્ખ કહીને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સમગ્ર ગુજરાતીઓનું અપમાન કર્યું છે. દેશનું કોઇ રાજય કે વિશ્વનું કોઇ દેશ નહીં હોય જયાં ગુજરાતીઓ વ્યવસાય અર્થે જઇને નામના ન મેળવી હોય. આવી ગુજરાતની સમજુ, શિક્ષિત અને સંસ્કારી જનતાને જાહેર મંચ પરથી મૂર્ખા કહેવાની કોંગ્રેસના નેતાઓની હલકી માનસિકતા દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા મહાત્મા ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઇ પટેલ હોય તે પણ ગુજરાતી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી તથા ગુહમંત્રી અમિતભાઈ  શાહ પણ ગુજરાતી છે. આદ્યોગિક જગતમાં હોય કે રાજકીય ક્ષેત્ર દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓની નામના છે. આ ગુજરાતીઓને મૂર્ખ કહેવાનું કોંગ્રેસના નેતાને ભારે પડશે. કોંગ્રેસના નેતાઓએ આવા વાહિયાત નિવેદન બદલ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ.

ડો. ડાંગરે વધુમાં જણાવ્યું કે, આ જ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોના સમયમાં દિવસ રાત કાર્ય કરનાર અને ગુજરાતને સુરક્ષા પ્રદાન કરનાર પોલીસ વિભાગને ભાજપના પીઠ્ઠુ કહીને તેમનું પણ ઘોર અપમાન કર્યું છે. આ નિવેદન ગુજરાતની બહેન-દિકરીઓની સુરક્ષા માટે દિવસ રાત પરિશ્રમ કરનારા પોલીસ જવાનોનું મનોબળ તોડવાની હલકી માનસિકતા દર્શાવે છે. આ બંને નિવેદનો બદલ ગુજરાત કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા જનાર્દનની માફી માંગેઅને હેલફેલ નિવેદન કરવાનું બંધ કરી ભાજપના કાર્યકરોની જેમ સેવા કરીને જનતાનો પ્રેમ અને વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ તેવી શીખ આપી હતી.

(10:11 pm IST)