Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

કોરોનાના લીધે મરણ પથારીએ છે ૨૯ વર્ષીય પતિ : મા બનવાની ઇચ્છા લઇ કોર્ટ પહોંચી પત્ની

મહિલાનો પતિ ૧૦ મેથી હોસ્પિટલમાં દાખલ છે અને હવે તો ડોકટરોએ પણ આશા છોડી દીધી છે ત્યારે પતિના બાળકની મા બનવા માગતી મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી છે : સાસુ-સસરા સાથે મળીને પતિના સ્પર્મ પ્રિઝર્વ કરાવાની મંજૂરી લેવા કોર્ટમાં પહોંચી મહિલા : મહિલાની વિનંતી હોસ્પિટલે નકારી દેતાં તેણે ગુજરાત હાઈકોર્ટ પાસે દાદ માગી છે

અમદાવાદ તા. ૨૧ : કોરોનાના કારણે ઘણાં પરિવારો વિખેરાઈ ગયા છે. માત્ર વૃદ્ઘો જ નહીં બાળકો, યુવાનો અને ૪૦થી વધુ વયના લોકો પણ કોરોના સામે જંગ હારી રહ્યા છે. એવામાં સ્વજનને બચાવા પરિવાર કંઈપણ કરી છૂટે છે. એક યુવાન મહિલા માટે પણ જિંદગી આવા જ વળાંક પર આવીને ઊભી રહી ગઈ છે. જયાં પતિ કોરોનાના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મહિલાના પતિને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે ત્યારે તેની ઈચ્છા મા બનવાની છે જેથી પતિના અંશ દ્વારા તેની યાદોને જીવંત રાખી શકે. આ ઈચ્છા સાથે જ મહિલાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

સોમવારે સાંજે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી કે તેનો પતિ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને કોરોના સામે જંગ જીતવાની આશા નજીવી છે ત્યારે પતિના સ્પર્મ પ્રિઝર્વ કરવાની મંજૂરી આપવામાં આવે. મહિલાએ તેના પતિના માતાપિતા સાથે મળીને હાઈકોર્ટમાં ઈમર્જન્સી અરજી કરી હતી. જે મુજબ, હોસ્પિટલે કહી દીધું છે કે, ૨૯ વર્ષીય યુવક કદાચ એક દિવસથી વધુ નહીં જીવી શકે. મહિલાએ કોર્ટમાં આજીજી કરી કે, તે પતિનું બાયોલોજીકલ મટિરિયલ (સ્પર્મ) સાચવીને રાખવા માગે છે, જેથી આસિસ્ટેડ રિપ્રોડકિટવ ટેકનોલોજીની મદદથી તે પતિના બાળકની મા બની શકે. કોરોના સામે લડી રહેલા યુવકના માતાપિતા પણ પુત્રવધૂની વાત સાથે સહમત છે.

આ અરજી પર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મહિલાની ઈચ્છા મુજબ વડોદરાની હોસ્પિટલને કોરોના સામે જંગ હારી રહેલા દર્દીના સ્પર્મ પ્રિઝર્વ કરવાનો આદેશ આપ્યો છે. હોસ્પિટલે અગાઉ મહિલાની વિનંતીને ફગાવી હતી કારણકે આ અંગેની સંમતિ આપી શકે તે સ્થિતિમાં દર્દી નથી. મલ્ટીપલ ઓર્ગન ફેલ થતાં દર્દી બેભાન છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે.

આસિસ્ટેડ રિપ્રોડકિટવ ટેકનોલોજી બિલ હાલ પેન્ડિંગ છે. જોકે, બિલમાં નિયત કરવામાં આવ્યું છે કે, કોઈપણ પુરુષના સ્પર્મ તેની મરજી વિના મેળવી શકાય નહીં. ત્યારે દર્દી દાખલ છે તે હોસ્પિટલના મેનેજમેન્ટે મહિલાને સલાહ આપી હતી કે, તેના પતિની સંમતિ મળી શકે તેવી સ્થિતિ નથી એવામાં કોર્ટનો ઓર્ડર લઈને આવે.

જે બાદ એડવોકેટ નિલય પટેલની મદદથી આ પરિવારે કોર્ટમાં અરજી કરી હતી. પરિવારે કોર્ટમાં દાદ માગતા કહ્યું હતું કે, તેઓ લાગતાવળગતા મેડિકલ એકસપર્ટને તબીબી સૂચનાઓ મુજબ સ્પર્મ એકત્ર કરીને તેનો સંગ્રહ કરવાના નિર્દેશ આપે. આ કેસ પર ઝડપથી સુનાવણી થાય તેવી વકીલની વિનંતીને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ માન્ય રાખી હતી. કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે, દર્દી ૧૦ મેથી હોસ્પિટલમાં દાખલ છે અને ડોકટરોએ પરિવારને જણાવી દીધું છે કે, તે એક દિવસ પણ માંડ જીવી શકશે. સુનાવણી દરમિયાન કોર્ટે ટાંકયું કે, જો આ મુદ્દે ઝડપથી કાર્યવાહી નહીં થાય તો બદલી ના શકાય તેવી પરિસ્થિતિ પેદા થશે.

કોર્ટે દર્દીના સ્પર્મ લેવાની મંજૂરી આપતાં તેને પ્રિઝર્વ કરવાનો આદેશ હોસ્પિટલને આપ્યો છે. જોકે, આગળનો આદેશ ના મળે ત્યાં સુધી કૃત્રિમ ગર્ભાધાનની પ્રક્રિયા ન કરવાનું જણાવ્યું છે. ગુરુવારે આ કેસ પર વધુ સુનાવણી થઈ શકે છે.

(11:51 am IST)