Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ત્રીજી લહેર એક - દોઢ મહિનામાં સંભવ : બે માસ્ક, બે ડોઝ, બે ગજનું અંતર જરૂરી : ડો. તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા જાણીતા સર્જનની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૨૧ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને જાણીતા કેન્સર સર્જન ડો. પ્રવીણભાઇ તોગડિયાએ આગામી એક - દોઢ મહિનામાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યકત કરી લોકોને ડબલ માસ્ક પહેરવા રસીના બન્ને ડોઝ લઇ લેવા અને વ્યકિતથી વ્યકિત વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું અંતર જાળવવા અપીલ કરી છે.

ડો. તોગડિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ત્રીજી લહેર આવવા બાબતે ચેતવણી આપી છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, દક્ષિણ આફ્રીકા વગેરે દેશોમાં કોરોનાના કેસોનું પ્રમાણ જબબર વધ્યું છે. પહેલી અને બીજી લહેર વખતનો મારો અભ્યાસ છે કે આ દેશોમાં કોરોનાની લહેર આવે પછી દોઢ-બે મહિનામાં આપણે ત્યાં આવી શકે છે. તે જોતા ઓગષ્ટ અંત કે સપ્ટેમ્બરમાં ભારતમાં આવવાની શકયતા રહે છે. કોરોનાની રસીના બે ડોઝ લીધા હોય તો પણ કોરોના થઇ શકે છે પરંતુ દર્દી વેન્ટીલેટર કે મૃત્યુ સુધી પહોંચી શકે તેટલી ગંભીર અસર રહેતી નથી.

ડો. તોગડિયાએ જણાવેલ કે, એક તારણ મુજબ એક સાથે બે માસ્ક પહેરનારને ૯૫ ટકા જેટલું અને એક માસ્ક પહેરનારને ૪૫ ટકા જેટલું રક્ષણ મળે છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે દો માસ્ક, દો ડોઝ ઔર દો ગજ કી દૂરી જરૂરી હૈ. એ.એચ.પી. દ્વારા અંગે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.

(11:52 am IST)