Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

અમદાવાદ : કોર્ટમાં ૧૪૦ કરોડની કરચોરી મામલે ભાવનગર માધવ કોપર લિમિટેડના ડિરેકટર સામે ફરિયાદ : ડિરેકટર નિલેશ પટેલ ફરાર

૭૬૩ કરોડના ખોટા બિલો મેળવીને ૧૩૭ કરોડની ખોટી વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક અંગેનો ૨.૮૩ કરોડનો વેરો મળી કુલ ૧૪૦.૧૧ કરોડની કરચોરી કરી હોવાનું ખુલ્યું

અમદાવાદ,તા.૨૧: ૧૪૦ કરોડની વેરાચોરી કરી હોવાની માહિતી મળતા સ્ટેટ GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ૨૦૧૭થી અત્યાર સુધીમાં નિલેશ નટુભાઈ પટેલે ૭૬૩ કરોડના ખોટા બિલો મેળવીને ૧૩૭ કરોડની ખોટી વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક અંગેનો ૨.૮૩ કરોડનો વેરો મળી કુલ ૧૪૦.૧૧ કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

GST વિભાગની તપાસમાં સ્પષ્ટ થયું છે કે માધવ કોપર લિમિટેડ દ્વારા બોગસ પેઢીઓના નામે ખરીદી દર્શાવી RTGS થકી નાણાં બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરતા હતા. જેના બદલામાં બોગસ પેઢીમાંથી નાણાં ચેનલાઈઝ કરીને અન્ય બોગસ પેઢીઓ થકી મેળવી લેતા હતા અને માધવ કોપર લિમિટેડના વ્યકિતને પહોંચી જતા હતા. માધવ કોપર લિમિટેડના ડિરેકટર નિલેશ નટુભાઈ પટેલ હાલ ફરાર છે, કંપનીની તપાસ દરમિયાન કંપનીની ફેકટરીની જમીન જેની બજાર કિંમત અંદાજે ૫થી ૭ કરોડની છે.

આ સિવાય બેન્ક એકાઉન્ટ, ૧૦ કરોડનો માલ સ્ટોક, સ્ટાફ કોલોનીના ૨ પ્લોટની મિલકતો, પ્લાન્ટ અને મશીનરી તેમજ નિલેશ નટુભાઈ પટેલનો રહેણાંક બંગલો અને ખેતીલાયક જમીન કામચલાઉ ટાંચમાં લીધી છે. આ ઉપરાંત ૩.૧૦ કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવી છે. માધવ કોપર લિમિટેડના ડીરેકટર નિલેશ નટુભાઈ પટેલને હાજર થવા માટે જીએસટી કાયદાની કલમ ૭૦ મુજબ સમન્સ ઈશ્યુ કર્યુ પરંતુ એ હાજર ન થતાં એમની સામે કાર્યવાહીના ભાગરૂપે કલમ ૧૭૪ મુજબ અમદાવાદ મેટ્રો કોર્ટમાં એમની સામે ફરિયાદ કરવામાં આવી છે.

ત્યારે બોગસ બીલિંગમાં સંડોવાયેલા ભાવનગરના આરોપી રોહિત બાબુભાઈ ડાભીની ધરપકડ કરી છે, જેમણે ૬૪.૪૪ કરોડના બિલ ઈશ્યુ કરીને ૧૧.૬૩ કરોડની વેરાશાખ પાસઓન કરી છે. આ મોડ્સ ઓપરેન્ડી મુજબ ગરીબ અને જરૂરિયાત મંદ વ્યકિતઓને નાણાંકીય પ્રલોભન આપીને તેમના નામે પેઢીઓ ઉભી કરીને રજીસ્ટ્રેશન મેળવીને આ પેઢીઓ બોગસ બીલિંગના ઓપરેટર ઉભા કરીને કૌભાંડ આચરતા હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. આ કૌભાંડમાં રાજય સરકારને કરોડો રૂપિયાની કર ચોરી કરીને મોટું નુકસાન આચર્યું હોવાની બાબત સામે આવી છે.

જીએસટી વિભાગ દ્વારા ૭ જુલાઈ ૨૦૨૧થી આ કેસમાં સંડોવાયેલી બોગસ કંપનીઓ, પેઢીઓ અને બોગસ બીલિંગ ઓપરેટર્સ તેમજ એમની સાથે સંકળાયેલા વ્યકિતઓના ધંધાના રહેઠાણ ઉપરાંત વિવિધ સ્થળોએ રાજયવ્યાપી દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ૧૨ જુલાઈના રોજ ભાવનગરમાં ૯ પેઢીઓના સ્થળે કાર્યવાહી હાથ ધરી જેમાં ૪ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે.

આ સિવાય ૧૯ જુલાઈના રોજ રોહિત બાબુભાઈ ડાભીની ધરપકડ કરીને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેમજ કસ્ટોડીયલ પૂછપરછ માટેની માંગણી કરી છે કે વધુ વિગતો બહાર આવી શકે કે હજી કોણ કોણ આ કેસમાં સંડોવાયેલા છે. જી.એસ.ટી. વિભાગ દ્વારા આ મામલે હજુ આગળ તપાસ ચાલી રહી છે.

(12:40 pm IST)