Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

અંકલેશ્વર સૂટકેસ મર્ડર મિસ્ટ્રીમાં બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો એક આરોપી સામેલ હોવાનો ઘટસ્ફોટ

હત્યારાઓ પૈકી એક અજોમ શમસુ શૈખ બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ ABTનો સભ્ય હોવાનું બહાર આવ્યું: મહિલા સહિત ૪ ઝડપાયા

રાજકોટ, તા. ર૧ :  બાંગ્લાદેશથી ગુજરાતમાં ગેરકાયદે આવી અંકલેશ્વરમાં વસવાટ કરતાં ચાર બાંગ્લાદેશીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન એક બાંગ્લાદેશી આરોપી અજોમ શમશુ શેખની આતંકવાદી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (એબીટી )સાથે સંડોવણી બહાર આવી છે.

અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી અમરતપુરા ગામ નજીકથી ટ્રાવેલ બેગમાંથી અજાણ્યા પુરૂષના અંગો મળી આવ્યાં હતાં. અમરતપુરા બાદ સારંગપુર ગામ પાસેથી પણ ટ્રાવેલ બેગમાંથી પુરૂષના અંગો મળી આવ્યાં હતાં. ભરૂચ પોલીસે ટ્રાવેલ બેગ મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાંખી હત્યાના ગુનામાં સંડોવાયેલાં ચાર આરોપીઓને ઝડપી પાડયાં હતાં.

અમદાવાદમાં રહેતો અકબર નામનો બાંગ્લાદેશી અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકોને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતો હતો. અકબરની ધમકીઓથી કંટાળી મહિલા સહિતના આરોપીઓએ અકબરને અમદાવાદથી અંકલેશ્વર બોલાવ્યો હતો અને કાવતરા મુજબ તેની હત્યા કરી નાંખી હતી. અકબરના શરીરના ટુકડે ટુકડા કરી તેને ટ્રાવેલ બેગમાં ભરીને અમરતપુરા તથા સારંગપુરમાં નિકાલ કરી દેવાયો હતો. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી અજોમ શમશુ શેખનો ગુનાહિત ભુતકાળ સામે આવ્યો છે.

અજોમ સમશુ શેખ બાંગ્લાદેશના કમરકુલા ગામનો રહેવાસી છે અને તે બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (એબીટી) સાથે સંકળાયેલો છે. આરોપી અજોમ સમશુ શેખ અંકલેશ્વર તથા ભરૂચમાં ભાડાના મકાનોમાં રહેતો હતો. તે પોતે બાંગ્લાદેશી ફકીર હોવા છતાં શેખ અટક ધારણ કરી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ્યો હતો. ૨૦૧૬-૨૦૧૭ના વર્ષમાં તે ભારતથી પરત બાંગ્લાદેશ ગયો હતો. જયાં તેણે સમયાંતરે ચાર વ્યકિતઓના ખુન કરી મૃતદેહોને જમીનમાં દાટી દીધાં હતાં.

બાંગ્લાદેશની પોલીસને બે મૃતદેહ મળી આવ્યાં છે જ્યારે બે મૃતદેહ હજી જમીનમાં દટાયેલાં છે. આરોપી અજોમની ૨૦૧૮માં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. અજોમ શેખ બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન એબીટી સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં રોકાણ દરમિયાન તેણે કોઇ આતંકવાદી કે દેશવિરોધી પ્રવૃતિ કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (એટીબી) શું છે

અન્સારૂલ્લા બંગ્લા ટીમ એ બાંગ્લાદેશની ઇસ્લામિક ઉગ્રવાદ સંગઠન છે. વર્ષ ૨૦૧૩-૧૫ સુધીમાં નાસ્તિક બ્લોગર્સની હત્યા સહિત એપ્રિલ ૨૦૧૫માં બેંક લૂંટમાં સંકળાયેલી હતી. જેથી ગૃહમંત્રાલયે લૂંટના બનાવ બાદ ગેંગને ગેરકાયદે ઠેરવી હતી. એબીટીને જમાત-એ- ઇસ્લામી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ઇસ્લામી છાત્ર શિબીર સાથે સંકળાયેલી મનાય છે. ઉપરાંત એબીટી એ બાંગ્લાદેશમાં અલ કાયદા પ્રેરિત ઇસ્લામિક ઉગ્રવાદી જુથ જાહેર કરાયું હતું.

અજોમ ખાને બાંગ્લાદેશમાં જમાઇ સહિત ૪ જણાની હત્યા કરી હતી

વર્ષ ૨૦૧૬-૧૭માં અજોમ શેખ ગુજરાતમાંથી બાંગ્લાદેશ ગયો હતો. જ્યાં તેણે કમરકુલાના વતની બોલાઇ નામના હિન્દુ યુવકની હત્યા કરી ઘરના કંપાઉન્ડમાં જ તેને દાટી દીધો હતો. જે બાદ કમરકુલામાં જ મુસ્તુફા ગાજી તેમજ તેના પોતાના જમાઇ રહિમ અબ્દુલ ગાજીની હત્યા કરી તેમના મૃતદેહ પણ કંપાઉન્ડમાં દાટ્યાં હતાં. જે બાદ બાંગ્લાદેશના ડુમરિયા ગામના ઇમરાન અશદ નામના યુવાનની પણ તે જ પ્રમાણે હત્યા કરી હતી.

એબીટીના ગુજરાતમાં અન્ય સાગરિત છે કે કેમ તેની તપાસ થશે

પોલીસ પુછપરછમાં ભાંગી પડેલાં અજોમ શેખે તે બાંગ્લાદેેશના આતંકી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (એબીટી)નો સભ્ય હોવાની કબુલાત કરી છે. ત્યારે તેની સાથે આ સંગઠન સાથે સંકળાયેલાં અન્ય કઇ આતંકવાદીઓ ગુજરાતમાં આવ્યાં છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઉપરાંત તે ભારતમાં કેવી રીતે ઘુસણખોરી કરી રહ્યો હતો. તેની વિગતો પણ મેળવાશે. એટીએસ સહિતની સંસ્થાઓને પણ તપાસમાં જોડવામાં આવશે. તેમ જે. એન. ઝાલા, ઇન્સ્પેકટર, એલસીબી એ જણાવેલ.

(3:33 pm IST)