Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

''આપ કી આપની ચાય કી દુકાન'' સુરતના એમબીએ થયેલ યુવકે બેન્કની ર૪ લાખના પગારની ઓફર ઠુકરાવી દઇને ''ચા''ની દુકાન ચાલુ કરી

સુરત :સામાન્ય રીતે કોરોનાના કપરા કાળમાં કોઇ પણ વ્યક્તિ લાખો રૂપિયાની નોકરી છોડી શકે એ વાત માનવામા ન આવે. પરંતુ કહેવાય છે ને એક ગુજરાતી જ શુન્યમાંથી સર્જન કરી જાણે છે. આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં રત્ન કલાકારના પુત્રને પુણેની સિમ્બાસીસ યુનિવર્સિટી (symbiosis university) માંથી એમબીએનો અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂર્ણ થતા જ 24 લાખના પગારની નોકરીની ઓફર મળી. જો કે આ યુવાને નોકરીને ઠોકર મારી ચા (Tea) ની દુકાન ખોલી હાલ લાખો રૂપિયા કમાઇ રહ્યો છે.

બેંકની નોકરી છોડી ચાનો વ્યવસાય શરૂ કર્યો

સુરતના વરાછા વિસ્તારમા રહેતા મિતુલ પડસાલાના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. મિતુલે પૂણેની સિમ્બાસીસ યુનિવર્સિટીમા એમબીએ (MBA) નો અભ્યાસ કર્યો છે. મિતુલના પિતા રત્નકલાકાર હોઈ તેમની પાસે તેને ભણાવવાના પૂરતા રૂપિયા ન હતા, જેથી અભ્યાસનો ખર્ચો તેના કાકાએ ઉઠવ્યો હતો. વર્ષ 2019 માં મિતુલે પોતાનો અભ્યાસ પૂરો કરતાની સાથે જ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી રૂપિયા 24 લાખના પગારની ઓફર મળી હતી. પરંતુ મિતુલે કોરાનાની પરિસ્થિતિમાં લાખો રૂપિયાની નોકરી કરવાને બદલે તેને ઠુકરાવી દીધી હતી. કારણ કે મિતુલનુ સ્વપ્ન કંઇક અલગ જ હતુ.

કોરોનામાં ફ્રીમાં ચાનું વિતરણ કરીને 42 પ્રકારની ચા બનાવવાનું શીખ્યું

મિતુલ કોરોનાના સમયમાં પૂણેથી સુરત (Surat) આવી ગયો હતો. શરુઆતના સમયમા તે કોરોના દરમિયાન રસ્તા પર ફરજ બજાવતા પોલીસ, ઝાડુ મારવાવાળા કર્મચારીઓને મફતમાં ચાનુ વિતરણ કરતો હતો. જ્યાંથી તે લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ પણ મેળવતો હતો. જુદા જુદા લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ મેળવી તેણે અલગ અલગ 42 પ્રકારની ચા બનાવવાની રેસિપી શીખી લીધી. ચા બનાવતા શીખ્યા બાદ તેણે ચા માટે કેફે (Tea Cafe) ખોલવાનુ નક્કી કર્યુ હતુ. જો કે જે તે સમયે તેના પરિવારને પસંદ ન હતુ કે દીકરાએ આટલો અભ્યાસ કર્યો અને લાખ્ખો રૂપિયાની નોકરી છોડી હવે ચા વેચશે.

42 પ્રકારની ચા પિરસે છે

જો કે મિતુલએ પરિવારને પોતાની સાથે લઈ સુરતના વેસુ વિસ્તારમા ‘આપ કી અપની ચા’ નામની દુકાન (Tea Shop) ખોલી છે. જ્યાં આજે તે 42 પ્રકારની ચા ગ્રાહકને પીરસી રહ્યો છે. આ શોપમાં રૂપિયા 40 થી લઇને 102 રૂપિયામાં ચા વેચાય છે. ચા ની સાથે મિતુલની શોપમાં ત્રણ પ્રકારની કોફી પણ મળે છે. કે જેથી કોફીરસિયાઓને બીજી જગ્યાએ જવુ ન પડે.

(5:24 pm IST)