Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સુરતના પુણા પોલીસની પીસીઆર વાનનો વિડીયો વાયરલઃ માસ્કના નામે અવાવરૂ જગ્યામાં વાહન ચાલક સાથે રૂપિયાના ઉધરાણા

સુરત : કોરોના કાળમાં સામાન્ય માણસ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો છે. તેવામાં પોલીસ દ્વારા વિવિધ કાયદા અને નિયમો અંતર્ગત માસ્કના નામે દંડની બીક બતાવી લોકોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એકાંત જગ્યા પર લોકોને અટકાવીને પોલીસ દ્વારા ઉઘરાણા કરાઇ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેના પગલે પોલીસની ઇમેજ ખરડાઇ છે. આ અંગે હાલ તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.

સુરત પોલીસનાં જવાનો ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. દંડ નામે લોકો પાસેથી પૈસા ઉઘરાણી વધારે એક કિસ્સાને કારણે ચકચાર મચી ગઇ છે. કોરોના મહામારી સુરત પોલીસ દંડના નામે લોકોને પરેશાન કરી રહી છે. અનેક મુદ્દાઓ પર  ફરિયાદો પણ આવી રહી છે. સુરતના પુણા પોલીસની 23 નંબરની પીસીઆર વાનનો કર્મચારી તરીકેની નીરલ કિરીટભાઇ અને કોન્સ્ટેબલ મુકેશ રમણભાઇ ફરજ પર હતા. ત્યારે પીસીઆરને સુમસાન રોડ પર ઉભા રાખીને ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ટેમ્પો ચાલકોને દંડના નામે પૈસા ઉઘરાવી તેમને રસીદો પણ નહી આપી હોવાની વિગતો સામે આવી છે.

જો કે એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હાલ સુરત પોલીસની ભારે થુથુ થઇ રહી છે. જો કે સામેવાળી વ્યક્તિ પોતાની પાસે પૈસા નહી હોવાનું કહેતા તેની પાસેથી 500 રૂપિયા લઇને કોઇ પણ જાતની રસીદ આપ્યા વગર રવાના કરી દે છે. પોલીસ હવે આ કર્મચારી વિરુદ્ધ કેવા પ્રકારનાં પગલા ઉઠાવે છે તે જોવું રહ્યું. અત્રે નોંધનીય છે કે, સુરત પોલીસ પહેલાથી જ બદનામ છે તેવામાં આવા વીડિયો ફરી એકવાર સુરત પોલીસની ઇજ્જત ઉતારી રહ્યો છે.

(5:28 pm IST)