Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ગુજરાત સરકારની નીતિ સામે નર્મદાના તલાટીઓ ખફા, કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ

મનરેગા યોજનાના ઓન લાઈન મસ્ટરના કામોમાં સહી કરવાની ફરજ પડાતા તલાટીઓનો વિરોધ: મનરેગા યોજનામાં કામ પૂર્ણ થયાના પ્રમાણપત્ર પર ટેક્નિકલ કર્મચારીની જગ્યાએ અમારી સહી લેવાય છે, ફરિયાદ થાય તો અમારી ઉપર કાર્યવાહી કરાય છે: તલાટીઓનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગુજરાત સરકારની નીતિઓ સામે ખફા થઈ અને પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે નાંદોદ સહિત નર્મદા જિલ્લાના તલાટીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે.

નાંદોદ વડીયાના તલાટી દેવેન્દ્ર જોશી, જેસલપુરના તલાટી ડો.નીતા પટેલ, હેમાંગીની ઉપાધ્યાય, વિજય માછી, ગીતા ચૌધરી, યાશમીન દીવાન, ધર્મેન્દ્ર સિસોદીયા સહિત જિલ્લાના અન્ય તલાટીઓએ મનરેગા યોજનાના ઓન લાઈન મસ્ટરના કામોમાં સહી કરવાની ફરજ પડાતા એનો વિરોધ કરી ટી.ડી.ઓ ને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે ઓન લાઇન મસ્ટરમાં સહી કરવાની જવાબદારી મેટ અને જી.આર.એસ ની છે.કામ નિયમ મુજબ પૂર્ણ થયાના પ્રમાણપત્ર પર ટેક્નિકલ કર્મચારીની જગ્યાએ અમારી સહી લેવાય છે.જો ફરિયાદ થાય તો અમારી ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરાય છે.અમે મનરેગા યોજનાના મસ્ટર, કામના ફોટા કે કામ પૂર્ણ થયાના પ્રમાણપત્ર પર સહી નહિ કરીએ, "પેન ડાઉન" એટલે કે પેનથી કોઈ પણ કામ નહીં કરી વિરોધ નોંધાવીશું
વધુમાં જણાવ્યું કે 2004, 05, 06 ની સેવા સળંગ ગણવી, ઈ-ટાસથી હાજરી, રેવન્યુ તલાટી સમકક્ષ 4400 રૂ ગ્રેડ પે, વિસ્તરણ અધિકારી સહકાર/આંકડામાં પ્રમોશન, રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવા, પંચાયત સિવાયની કામગીરી ન આપવા, તલાટી પર ફરજ દરમિયાનના હુમલા તથા નવું મેહકમ મંજુર કરી એક ગામ એક તલાટીની નિમણૂક કરવા સહીતના અમારા પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ.

(11:54 pm IST)