Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ગુજરાતમાં સીઝનનો ૭૫% વરસાદ વરસ્યો : સૌરાષ્ટ્રમાંથી અછત દૂર થઇ

૪૩ ટકા વરસાદ તો માત્ર સપ્ટેમ્બરના પહેલા ૨૦ દિવસમાં થયો : પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ તા. ૨૧ : ગુજરાતમાં ૨૦ સપ્ટેમ્બરની સવાર સુધીમાં ૨૪.૮૪ ઈંચ વરસાદ પડ્યો હતો. જે અત્યારસુધીના મોસમી વરસાદનો ૭૫ ટકા જેટલો છે. કુલમાંથી ૪૩ ટકા વરસાદ સપ્ટેમ્બરના પહેલા ૨૦ દિવસમાં જ થયો હતો, જે છેલ્લા ૧૦ વર્ષની સરખામણીમાં સૌથી વધારે હતો.
સારા વરસાદના કારણે રાજયના અડધા ભાગમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી અછત દૂર થઈ છે, કારણ કે ગુજરાત દુષ્કાળ વર્ષ તરફ ધકેલાઈ રહ્યું હતું. હાલમાં, ૧૭ જિલ્લાઓમાં સામાન્ય અથવા વધુ વરસાદ થયો છે જયારે ૧૬ જિલ્લામાં ઓછો વરસાદ થયો છે. જીએસડીએમએના ડેટા પ્રમાણે, સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં મોસમી વરસાદનો ૮૮ ટકા, કચ્છમાં ૭૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૪ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૫ ટકા જયારે ઉત્તર ગુજરાતમાં ૬૦ ટકા વરસાદ વરસી ચૂકયો છે.
આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયકલોનિક સકર્યુલેશન યથાવત્ છે. 'અનુ કૂળ સ્થિતિ હજી પણ રાજયને વરસાદ આપશે. બુધવાર બાદથી કયારેક ભારે વરસાદની શકયતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે', તેમ તેમણે કહ્યું હતું.
મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.
સોમવારે, રાતે ૮ વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં ૨.૮૩ ઈંચ, બોડેલીમાં ૨.૫૧ ઈંચ, પાવી જેતપુરમાં ૧.૯૬ ઈંચ વરસાદ પડ્યો હતો. જયારે મહેસાણાના ઉંઝામાં ૧.૯૨ ઈંચ, ખેડાના માતરમાં ૧.૮૧ ઈંચ અને મહેસાણાના વિસનગરમાં ૧.૬૯ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજયના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.

 

(11:18 am IST)