Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સરકાર પંચાયત કેડરની ભરતી માટે નવી જાહેરાત આપશે

કલાર્ક-તલાટીની ભરતી માટેના ૩પ લાખ ફોર્મ રદઃ લાખો ઉમેદવારોને ફી પાછી અપાશે

જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.૧૦૦ ફી ભરેલઃ તા.ર૭ મીથી ફી પરત અપાશે

રાજકોટ, તા., ૨૧: રાજય સરકારે ર૦૧૮ના વર્ષમાં  પંચાયતના તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની ભરતી માટે અરજીઓ મંગાયેલ પણ પરીક્ષા લઇ શકાયેલ નહી. હવે સરકારે તે વખતની જીલ્લા પસંદગી સમીતીઓ વિખેરી  પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નવેસરથી ભરતી પ્રક્રિયા કરવાનો નિર્ણય કર્યો છે. તે વખતે એક ઉમેદવાર એકથી વધુ જીલ્લામાં અરજી કરી શકે તેવી છુટ હોવાથી બન્ને સવર્ગની મળી ૩પ લાખ જેટલી અરજીઓ આવેલ. જનરલ કેટેગરીની ઉમેદવારો માટે પરીક્ષા દિઠ રૂ. ૧૦૦ ફી હતી. જે આ અંગે આજે પંચાયત વિભાગના અધિક સચીવ જયદીપ દ્વિવેદીની સહીથી પરીપત્ર પ્રસિધ્ધ કરાવયો છે. પરીપત્રમાં જણાવાયું છે કે આથી જુનીયર કલાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી (વર્ગ-૩) સંવર્ગની સને ર૦૧૮-૧૯ની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમીતીઓની સીધી ભરતીની જાહેરાત રદ થયેલ હોય તે જાહેરાત અન્વયે જનરલ કેટેગરીના ઉમેદવારો તરફથી ભરવામાં આવેલ પરીક્ષા ફી રૂ. ૧૦૦ સંબંધીત ઉમેદવારોને પરત કરવા નિયમોનુસાર કાર્યવાહી નીચે મુજબની વિગતો સાથે હાથ ધરવાની રહેશે.

જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા સંબધીત ઉમેદવારોને પરીક્ષા ફી પરત અંગેની કામગીરી તા.ર૭-૯-ર૦ર૧ થી તા.૭-૧૦-ર૦ર૧ સુધી (કચેરી કામકાજના કલાકો દરમિયાન કરવાની રહેશે.

જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓએ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવા બાબતે સ્થળ અને સમય દર્શાવતો કાર્યક્રમ જીલ્લા પંચાયતની વેબસાઇટ તેમજ નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવાનો રહેશે. તેમજ સ્થાનીક અખબારોમાં અલાયદી યાદી પણ આપવાની રહેશે.

ઉપરોકત પ્રક્રિયા રૂપે અને યોગ્ય રીતે થાય તે માટે જરૂરી કર્મચારીઓની નિમણુંક સંબધીત જીલ્લા વિકાસ અધિકારીને કરવાની રહેશે. તથા તેના સુપરવીઝન માટે અધિકારી નિમવાના રહેશે.

સંબધીત ઉમેદવારોને પરીક્ષા ફી રૂ. ૧૦૦ રોકડમાં / ચેકથી પરત આપવાના રહેશે તેમજ આ અંગેના હિસાબો/રેકર્ડ જીલ્લા પંચાયત દ્વારા નિભાવવાના રહેશે.

(3:24 pm IST)