Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભાજપની નિષ્ફળતાનો શિકાર જનતા બનીઃ ભરતસિંહ

કોરોનાકાળમાં સરકારની લાપરવાહી જનતા સામે ખુલ્લી પડી ગઈ, નેતા નહી નીતિ બદલો

ગાંધીનગર, તા. ૨૧: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય ખાતે સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, કોરોનાને લઇ ભાજપ સરકારની લાપરવાહી જનતાની સામે આવી ચુકી છે. હકીકતમાં જોવા જાય તો વ્યકિત નહીં પરંતુ વ્યવસ્થા બદલવાની છે. ભાજપે નેતા નહીં પણ નીતિ બદલવી જોઈએ. પરંતુ વર્ષ ૨૦૨૨માં  ગુજરાતની જનતા સરકાર બદલશે. ભાજપની નિસ્ફળતાનો શિકાર ગુજરાતની જનતા બની છે.

ભરતસિંહ વધુમાં કહ્યું કે કોરોના મહામારીનો શિકાર રાજ્યની જનતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ૧૬ ઓગસ્ટના કોવીડ ૧૯ ન્યાય યાત્રા કાઢી હતી. જેમાં ૪ સપ્તાહમાં ૩૧,૮૫૦થી વધુ કોરોનાના શિકાર પરિવારોનો સંપર્ક કર્યો અને સાંત્વના આપી. કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારજનોને વળતર ચુકવવાની માંગ કરવામાં આવી હતી. પરિવારજનો પાસેથી અત્યાર સુધી ૩૧,૮૫૦થી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે.

એનો મતલબ એ થયો કે ગુજરાત સરકારના ૧૦૦૮૧ દર્દીઓની મોતના આંકડાની તુલનામાં ત્રણ ગણો વધુ મોતનો આંકડો માત્ર ૪ સપ્તાહમાં કોંગ્રેસની કોવીડ ૧૯ ન્યાય યાત્રામાં સામે આવી છે.

(3:49 pm IST)