Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સ્ટેટ ફુડ સેફટી ઇન્ડેક્ષમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ

ફુડ કમિશનર ડો. હેમંત કોશિયાની ટીમની સફળતાઃ કેન્દ્ર દ્વારા એવોર્ડ

રાજકોટ તા. ર૧ :... ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી ભારત સરકાર દ્વારા સ્ટેટ ફુડ સેફટી ઇન્ડેકસની તેઓ દ્વારા નકકી કરવામાં આવેલ ધારાધોરણોનું રાજયના ફુડ સેફટી ઓથોરીટી દ્વારા કરવામાં આવતા પાલનના આધારે સ્ટેટ ફુડ સેફટી ઇન્ડેકસની ગણતરી કરવામાં આવે છે અને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ ને એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે જેમાં વર્ષ ર૦ર૦-ર૧ ના સ્ટેટ ફુડ સેફટી ઇન્ડેકસમાં ૭ર ટકા સાથે મોટા રાજયોની યાદીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવેલ છે તથા ૭૦ ટકા સાથે કેરળ બીજા નંબરે અને ૬૪ ટકા સાથે તમિલનાડુ ત્રીજા નંબરે આવેલ છે. ગત વર્ષે ર૦૧૯-ર૦ ના સ્ટેટ ફુડ સેફટી ઇન્ડેકસમાં પણ રાજય પ્રથમ નંબરે રહ્યું હતું.

સ્ટેટ ફુડ સેફટી ઇન્ડેકસ માટે ભારત સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ ધારાધોરણો માટે રાજયના ઓવરઓલ પરફોર્મન્સ ઓન ફૂડ સેફટીના આધારે પસંદગી કરવામાં આવે છે. આ ધારાધોરણોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇંફ્રાન્સ્ટ્રકચર, કોમ્પ્લાયન્સ, ટ્રેનિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજયમાં મળતા ખોરાકની ગુણવતા ઉપર ભાર મુકવામાં આવે છે.

આ વર્ષે ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેકસ સમારોહનું આયોજન એફ.ડી.એ. ભવન, નવી દિલ્હી મુકામે યોજવામાં આવેલ હતુ જેમાં આ એવોર્ડ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે એનાયત કરવામાં આવેલ અને રાજય વતી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજયના ડેઝીગ્નેટેડ ઓફિસર સી.એલ. ગોહિલ દ્વારા સ્વીકારવામાં આવેલ છે.

(3:50 pm IST)