Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વલસાડ જિલ્લાની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતા શાળાના વર્ગો બંધ કરવાની નોબત આવી

કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, આથી શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા

વલસાડ: વલસાડ જિલ્લામાં ફરી કોરોનાનો પગપેસારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતા શાળાના વર્ગો બંધ કરવાની નોબત આવી છે. આમ એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં કોરોના નો એક પણ કેસ એક્ટિવ નહિ હતો. એક રીતે જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.

વલસાડ શહેરની જાણીતી કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. આથી શાળા દ્વારા  ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. અન્ય બાળકોને પણ સંક્રમણનો ખતરો હોવાની શક્યતા છતાં. શાળાએ ગંભીર બેદરકારી દાખવી અને શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાની વાત જિલ્લા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ થી પણ છુપાવી હતી.

માત્ર ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. આમ એક સમયે કોરોના મુક્ત થયેલા વલસાડ જિલ્લામાં ફરી એક વખત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અત્યારે વલસાડ જિલ્લામાં કોરોનાના 5 એક્ટિવ કેસ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. જોકે શાળાની શિક્ષિકા કોરોના પોઝિટિવ આવતા શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ ફફળાટ વ્યાપી ગયો છે.

(5:12 pm IST)