Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના કવાંટ, સુરતના બારડોલી અને મહુવામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયોઃ ખેડા-નડિયાદ, છોટાઉદેપુરના બોડેલી અને છોટાઉદેપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે 42 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના કવાંટ, સુરતના બારડોલી અને મહુવામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડા-નડિયાદ, છોટાઉદેપુરના બોડેલી અને છોટાઉદેપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 42 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અમદાવાદના ગોતા, ચાંદલોડિયા, સેટેલાઈટ, ઘાટલોડિયા, બોડકદેવ, સરસપુર, મણિનગર, એસજી હાઈવે, મકરબા, થલતેજ, ચાંદખેડા, બાપુનગર, વેજલપુર, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે, શહેરમાં મોડી રાતથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો.

અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગઈકાલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં મોસમનો સરેરાશ 55 ટકા સાથે 15 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં હજુ પણ 43 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જો કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આગામી 4 દિવસ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

જો કે, મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, નિકોલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોવા છતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ મામલે કોઇ જ કામગીરી કરવામાં આવતી નથી.

(5:13 pm IST)