Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં પત્નીની ધારિયાના ઘા જીકી કરપીણ હત્યા કરનાર પતિને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

સોજીત્રા: તાલુકાના કાસોર ગામની કુંભારીયા સીમમાં બે વર્ષ પહેલા પત્નીની ધારીયાના ઘા મારીને ક્રુર હત્યા કરનાર પતિને પેટલાદની અધિક સેશન્સ જજની અદાલતે તકશીરવાર ઠેરવીને આજીવન કેદ અને વીસ હજારનો દંડ ફટકારતી સજા સંભળાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કાસોર ગામની કુંભારીયા સીમમાં રહેતા ભગુભાઈ મણીભાઈ પરમાર (ઉ. ૪૫)પોતાની પત્ની મંજુલાબેન, પાંચ પુત્રીઓ તેમજ માતા સાથે રહેતા હતા. ભગુભાઈ છેલ્લાં કેટલાક સમયથી કોઈ કામધંધો કરતો નહોતો અને દારૂ પીવાની લત્તે ચઢી ગયો હતો જેને લઈને તે અવાર-નવાર પત્ની સાથે ઝઘડાઓ કરતો હતો. પોતાની પત્ની ઉપર શંકા રાખીને તેણીને મારઝુડ કરવાનુ પણ ચાલુ કરી દીધું હતુ. ગત ૨૭-૪-૧૯ના રોજ સાંજના વાગ્યાના સુમારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા ભગુભાઈએ ઘરમાંથી ધારીયું કાઢીને પત્ની મંજુલાબેનને ડાબા ગાલ, ગળા તેમજ માથાના ભાગે ઘા મારી દેતાં મંજુલાબેન લોહીલુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડી હતી અને પુષ્કળ પ્રમાણમાં લોહી નીકળી જતાં સારવાર મળે તે પહેલાં મોત થયું હતુ. અંગે સોજીત્રા પોલીસે મરણ જનારની પુત્રીની ફરિયાદને આધારે ભગુભાઈ પરમાર વિરૂદ્ઘ હત્યાનો ગુનો દાખલ કરીને ભગુભાઈને ઝડપી પાડ્યો હતો અને તપાસ પુર્ણ કરીને ચાર્જશીટ ફાઈલ કરી હતી. કેસ આણંદના ત્રીજા અધિક સેશન્સ જજ, પેટલાદની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકીલ એ. એસ. જાડેજાએ દલિલો કરતાં જણાવ્યું હતુ કે, પોતાની પત્ની સાથે ઝઘડો કરીને ધારીયાના મરણતોલ ફટકા મારીને તેણીની ક્રુર હત્યા કરી દેવામાં આવી છે. જે નજરે જોનાર સાક્ષીઓ, મેડિકલ પુરાવા તેમજ સાહેદોની જુબાની પરથી ફલિત થાય છે. જેથી ખુન જેવા ગંભીર પ્રકારના ગુનામાં સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા માટે અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૩ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૩૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. ન્યાયાધિશ એસ. એમ. ટાંકે સરકારી વકીલની દલિલો તેમજ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ભગુભાઈ પરમારને તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને વીસ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

(5:29 pm IST)