Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કરજણ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ: ડેમના: 4 ગેટ ખોલી 33,000 ક્યુસેક પાણી છોડાયું : 6 ગામોને એલર્ટ કરાયા

કરજણ ડેમમાં રુલ લેવલ 113.75 મીટર કરતા પાણીની સપાટી વધી 113.80 મીટર થઈ ગઈ હ

નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમારા વરસાદ પડતા નદી નાળા છલકાયા છે.તો બીજી બાજુ ડેડીયાપાડા અને સાગબારા વિસ્તાર અવિરત વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો, રૂલ લેવલ કરતા કરજણ ડેમની પાણીની સપાટી વધી જતાં ડેમના 4 ગેટ ખોલવાની ફરજ પડી હતી.તો બીજી બાજુ ડેમના ગેટ ખોલતા કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા છે.

કરજણ ડેમના ડેપ્યુટી એન્જીનીયર પ્રતીક સાનેએ જણાવ્યું હતું કે કરજણ ડેમમાં ઉપરવાસ ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે કરજણ ડેમમાં રુલ લેવલ 113.75 મીટર કરતા પાણીની સપાટી વધી 113.80 મીટર થઈ ગઈ હતી. નર્મદા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી કરજણ ડેમના 4 ગેટ 1.2 મીટર જેટલા ખોલી 26,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં હાલ છોડાઈ રહ્યું છે. વેહલી સવારે કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદને પગલે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી જે ઘટીને 33000 ક્યુસેક થઇ ગઇ છે. હાલ કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી 2 કાંઠે વહી રહી છે તો બીજી બાજુ કરજણ ડેમના કાંઠા વિસ્તારના ભદામ, ભચરવાડા, ધમણાચા, ધાનપોર અને રૂંઢ એમ 6 ગામોને એલર્ટ કરાયા છે.કરજણ ડેમનું 1 હાઈડ્રોપાવર પણ ચાલુ કરાયું છે જેમાંથી 1.5 મેગા વોટ વીજળી ઉતપન્ન થઈ રહી છે.

નર્મદા જિલ્લામાં 20 મી તારીખે ગરુડેશ્વર તાલુકામાં 4 એમ.એમ, ડેડીયાપાડા તાલુકામાં 55 એમ.એમ, તિલકવાડા તાલુકામાં 34 એમ.એમ, નાંદોદ તાલુકામાં 29 એમ.એમ અને સાગબારા તાલુકામાં 12 એમ.એમ વરસાદ નોંધાયો છે.જિલ્લાના અન્ય ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો નર્મદા ડેમની સપાટી 121.99 મીટર, કરજણ ડેમની 113.80 મીટર, નાના કાકડીઆંબા ડેમની 184.75 મીટર, ચોપડવાવ ડેમની 184.70 મીટર સપાટી છે જ્યારે નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 14.07 મીટર છે.

(6:36 pm IST)